કોઇ એક જ મકાનમાં વસેલા શહેરની વાત કરે અને ત્યાંની વસતી માત્ર બસો માણસની કહે અને વિશેષમાં તે એક જ મકાનમાં શાળા, પોલીસ, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, ચર્ચ, માર્કેટ પણ સ્થાયી છે. આ હકીકતો દર્શાવનારને લોકો ગપ્પીદાસ કે શેખચલ્લી જ માની લે, પણ આ સાચી હકીકત છે. અમેરિકાના અલાસ્કા રાજ્યમાં એક દુર્ગમ વિસ્તારમાં બીજા વિશ્વ યુધ્ધના સમયે અમેરિકન સેનાએ અહીં કેમ્પ સુવિધા બનાવી હતી જેને ‘સુલિવાન’ નામ આપ્યું હતું. જયાંથી બંદર, રેલવેની પણ સુવિધા સર્જી હતી. મોટા ભાગે બરફથી ઢંકાયેલા અને સત્તર લાખ ચોરસ કિલોમીટર પર્વતોથી ઘેરાયેલી ઢંકાયેલી ચૌદ માળની ઇમારતમાં આ શહેર વસેલું છે તેને બેમીય ટોપર નામ અપાયું છે.
ઠંડો પવન સતત ફૂંકાય છે. એક જ મકાનમાં વસેલા આ શહેરમાં પ્રવેશતાં જ પોસ્ટ ઓફિસ આવે છે. નજીકમાં પોલીસ સ્ટેશન બનેલું છે, ભોંયરામાં ચર્ચ તૈયાર થયું છે. અહીં રહેતા બસો માણસો એ દુનિયાથી દૂર રહેવા આ સ્થળ પસંદ કર્યું છે. અહીં પહોંચવા માટે એક ટનલ છે, જેને રાત્રે બંધ કરી દેવામાં આવે છે. આ અનોખા શહેરે ભૂંકપ પણ અનુભવ્યો છે, બરબાદી પણ જોઇ છે. અમેરિકન રાજધાનીથી લગભગ ત્રેવીસસો કિલોમીટર દૂર રહેવા સાથે લોકો સામાન્ય જીવનજરૂરિયાતો મેળવી લે છે. એક જ મકાનમાં વસેલા આ શહેરને દુનિયાની એક અજાયબી જ ગણી શકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અફસોસનો અનુભવ
દરેક મનુષ્યને જીવનમાં કયારેક ને કયારેક અફસોસનો અનુભવ થાય જ છે. જિંદગીમાં ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણને એનો અફસોસ કાયમને માટે રહી જાય છે. કોઇના ઘરે ન જઇ શકવાનો અફસોસ તો વળી કોઇના ઘરે જવાનો પણ કયારેક અફસોસ થાય છે. ઘણી વાર કાંઇક કહેવાનું મન થાય અને આપણે બોલી ના શકીએ તો તેનો પણ અફસોસ થાય છે અને ઘણી વાર કોઇ વાકયો બોલ્યા પછી તેનો અફસોસ થાય છે અને મનમાં થાય છે આવું ના બોલ્યા હોત તો સારું થાત.
ઢળતી ઉંમરમાં તો ઇચ્છાઓ કરતાં અફસોસ વધારે હોય છે. સમય પર ન બોલી શકયાનો અફસોસ, વધારે બોલવાનો અફસોસ, ગુસ્સો કરવાનો અફસોસ તો કયારેક માફ ન કરવાનો અફસોસ તો કયારેક નકામી વાતોમાં સમય બરબાદ કરવાનો અફસોસ અને વળી દિલમાં રહેલી વાતો ન કહી શકવાનો અફસોસ. આમ અફસોસ માણસને કયારેક અકળાવી દે છે. તમને પણ કયારેક તો અફસોસનો આવો અનુભવ જિંદગીમાં થયો જ હશે ને.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.