બુધવારની રાતે ડિંડોલીમાં એક બેફામ કારચાલકે રસ્તા પર આતંક મચાવ્યો હતો. આ કાર ચાલકે ઘરની બહાર રમતા અઢી વર્ષના બાળકને અડફેટે લીધું હતું, જેના લીધે બાળકને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ કાર ચાલકને પકડવા લોકોએ દોટ મુકતા ચાલકે કારની સ્પીડ વધારી દીધી હતી. બાઈક પર પીછો કરનારાઓને પણ કાર ચાલકે અડફેટે લીધા હતા. એક વૃદ્ધને પણ ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોન્ટ પાસે નવા હળપતિવાસમાં રહેતા અમિત રાઠોડનો અઢી વર્ષનો પુત્ર આરવ ઘરની બહાર રમતો હતો ત્યારે ગઈકાલે બુધવારે રાતે સાંઈ પોઈન્ટ તરફથી એક કિયા કાર ફૂલસ્પીડમાં આવી હતી. આ કારે આરવને અડફેટે લીધો હતો. ત્યાર બાદ કાર સ્પીડમાં લઈ ચાલક ભાગી ગયો હતો.
અમિતના સંબંધી, પાડોશના બે યુવકોએ બાઈક લઈ કારનો પીછો કર્યો હતો. અંદાજે બે કિલોમીટર બાદ કાર ચાલક પકડાયો હતો, પરંતુ કાર ચાલકે બાઈકને પણ ટક્કર મારી હતી. બંને યુવકો બાઈક પરથી કૂદી જતા ઈજા થઈ ન હતી. ત્યાર બાદ કાર ચાલકે સ્પીડ વધારી હતી. એક સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારી હતી. વૃદ્ધને પગમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ કાર ચાલક ફુલસ્પીડમાં ભાગી ગયો હતો.
બાળકને હોસ્પિટલમાં ખસેડાયો
કારની ટક્કરના લીધે અઢી વર્ષના બાળક આરવને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. તેના હાથ-પગ અને પીઠમાં પણ ઈજા થઈ છે. સિટી સ્કેન કરાવાયો છે. પરિવારજનો દ્વારા ડીંડોલી પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.