સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર થી 25 ફૂટ ઊંડા લિફ્ટની વેલમાં પટકાયેલા બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. પરિવારે જણાવ્યું હતું કે 8 વર્ષનો માસુમ બંટી જૈન સમાજ સંચાલિત કલાસમાં અભ્યાસ માટે ગયો હતો. બાજુના નવનિર્મિત બિલ્ડિંગમાં અન્ય બાળ મિત્રો સાથે રમવા દોડી જતા ઘટના બની હતી. હાલ માસુમ બંટીની હાલત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.
પીડિત બાળકના પિતા સુંદર શર્મા એ જણાવ્યું હતું કે ઘટના આજે સવારની છે. 8 વર્ષનો નાનો પુત્ર બંટી ઘર નજીકના દહેરાસરમાં અભ્યાસ માટે ગયો હતો. અભ્યાસ બાદ અન્ય બાળકો સાથે નજીકના નવ નિર્મિત બિલ્ડિંગમાં રમવા દોડી ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર રમતા રમતા બંટી બેઝમેન્ટમાં 25 ફૂટ ઊંડા લિફ્ટના વેલમાં પડી જતા બુમાબુમ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ દોડીને બંટી ને બહાર કાઢ્યા બાદ 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં કાનમાંથી લોહી નીકળતા બંટી ને માથામાં મૂંઢ માર વાગ્યો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની છે. અવધ નામના પ્રોજેકટમાં સેન્ટિંગ કામ કરી બે પુત્ર એક પુત્રી સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘર નજીક મજૂરોના બાળકનો એજ્યુકેશન આપવા જૈન સમાજ દ્વારા રોજ કલાસ ચલાવવામાં આવી રહ્યા છે.
આ કલાસમાં અનેક બાળકો જુનિયર કેજીથી લઈ ધોરણ-7 સુધીનો અભ્યાસ કરાવી રહ્યા છે. બંટી પણ અભ્યાસ માટે રેગ્યુલર જાય છે. આજે દોડ ની રમતમાં 25 ફૂટ નીચે પટકાયો હોવાનું સામે આવ્યું છે. બંટી ની હાલત ગંભીર છે. હાલ વેન્ટિલેટર ઉપર મુકવામાં આવ્યો છે.