Charchapatra

હાથમાં પેન પુસ્તકને બદલે ચપ્પુ છરી- આ અધોગતિની નિશાની છે

તાજેતરમાં અમદાવાદમાં એક શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની થયેલી હત્યાથી સમગ્ર ગુજરાત ખળભળી ઉઠ્યું છે. ઘટના બાદ હંમેશ મુજબ તંત્ર હરકતમાં આવીને વિદ્યાર્થીઓના દફતર ચેક કરવાના આદેશ જારી કરી દીધાં છે. દહેરાદુનમાં પણ એક વિદ્યાર્થીએ એના શિક્ષકને કમરમાં ગોળી મારી એવા સમાચાર હતાં. શિક્ષક વિદ્યાર્થીને મારે તે એક જમાનામાં સહજ અને સ્વાભાવિક ગણાતું હતું,  આજે વિદ્યાર્થી શિક્ષકને મારે એવી ઉલટી ગંગાનાં યુગનું નિર્માણ થઈ ચૂક્યું છે. શાળાઓમાં હથિયાર અને હત્યાના સમાચાર એ ગંભીર સામાજિક સમસ્યાનો મુદ્દો બનતો જાય છે. શાળામાં બનતી હત્યાઓ માટે જેટલી શાળા જવાબદાર છે એટલા જ હત્યારા વિદ્યાર્થીના માતા-પિતા પણ જવાબદાર છે.

પોતાનું સંતાન ક્રૂર અને ઘાતકી બને એમાં માતાપિતાના ઉછેરમાં ખામી અને અક્ષમ્ય બેદરકારી દેખાઈ આવે છે. શાળાઓમાં અપાતું શિક્ષણ જ જ્યાં ખાડે ગયું હોય ત્યાં સંસ્કારની તો વાત જ શી કરવી? સ્કૂલો હવે નોટ છાપવાના કારખાના બનતાં જાય છે. એટલે જ એવા કારખાનામાંથી બીબાંઢાળ ડોક્ટર, એન્જિનિયર, કારકૂન, વકીલ જેવા મશીન બહાર પડતા જાય છે ને માણસ બહાર આવવાનું ઘટતું જાય છે.  શાળામાં જીવનનાં પાઠ શીખવા જતાં વિદ્યાર્થીને હવે મરવા મારવાનાં પાઠ પણ શીખવવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે.  ત્યારે શિક્ષણ ક્ષેત્રે મૂળમાં જ સડો પેસે તો એ ધરોહરને કેવી રીતે બચાવી શકાશે?
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top