સુરત: કોરોનાની બીજી લહેરમાંથી સુરત શહેર ઝડપથી બહાર નીકળી રહ્યું છે, પરંતુ કોરોનાના નવા મ્યુટન્ટ ક્યારે આવે તે નક્કી નથી. હાલમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. જેથી સુરત મનપાનું તંત્ર પણ અત્યારથી જ સજાગ થયું છે. કોરોનાની બીજી લહેર વખતે યુ.કે અને સાઉથ આફ્રિકાના નવા સ્ટ્રેઈન વાયરસનો સુરતમાં ઝડપી ફેલાવો થઈ જતા, તંત્રને બીજી લહેરમાંથી નીકળતા ફાંફાં પડી ગયા હતા. જેથી હવે આગમચેતીના ભાગરૂપે મનપા દ્વારા નવા વેરિઅન્ટ વિશે ઝડપથી જાણકારી મેળવવા માટે સેલની રચના કરાશે તેમ મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વાયરસના નવા-નવા વેરિઅન્ટ આવતા હોય છે. જેની જાણકારી તુરંત થાય તે માટે આ સેલની રચના કરાશે. જેઓની દર અઠવાડિયે મીટિંગ મળશે. આ સેલમાં એક નવી સિવિલ, એક સ્મીમેર, એક ખાનગી લેબ તેમજ એક યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજીસ્ટ હશે. જેઓ આ બાબતે સતત મોનિટરિંગ કરશે. સાથે જ નવા વેરિઅન્ટ માટે સર્વેલન્સ સીસ્ટમ પણ કાર્યરત રહેશે. જેમાં ત્રણ બાબતો આવરી લેવાશે. વેક્સિનેશન બાદ પણ કોઈ દર્દી સીરિયસ છે કે કેમ? કોરોનાથી રિકવર થયા બાદ પણ દર્દી ગંભીર હાલતમાં રહે છે કેમ? ટ્રાવેલિંગ હિસ્ટ્રીવાળા કોઈ પણ ગંભીર હાલતમાં છે કે કેમ? તેમજ આવા દર્દીઓના સેમ્પલ લઈને તેના પર વ્યવસ્થિત ટેસ્ટિંગ કરાશે. જેથી વેરિઅન્ટની માહિતી ઝડપથી મળી આવશે.
મ્યુકરમાઈકોસિસ માટે મનપા જનજાગૃતિ અભિયાન ચલાવશે
કોવિડ દર્દીઓ સાજા થયા બાદ તેઓમાં મ્યુકર માઈકોસિસનો ગંભીર રોગ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેના વિશે ઘણા લોકોને માહિતી નથી. મ્યુકરમાઈકોસિસ કેવી રીતે થાય તેના શું લક્ષણો હોય શકે? માહિતીના અભાવને કારણે લોકો આ ગંભીર રોગની પરખ કરી શકતા નથી. જે માટે મનપા દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. હાલમાં મ્યુકરમાઈકોસિસ માટે નવી સિવિલ હોસ્પિ., સ્મીમેરમાં વોર્ડ શરૂ કરાયા છે. જમાં ઈન્જેકશન તેમજ દવાનો તમામ જથ્થો ઉપલબ્ધ છે તેમ મ્યુનિ.કમિ.એ જણાવ્યું છે.