SURAT

મોબાઈલમાં ખૂંપેલા રહેતાં લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, સુરતમાં 22 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો

સુરત: આજકાલ જેને જુઓ તે મોબાઈલમાં ખૂંપેલા રહે છે. લોકો આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. કોઈ ફોન પર વાત કરતું હોય તો કોઈ રિલ્સ જોયા કરતું હોય, પરંતુ કોઈની પણ નજર મોબાઈલની બહાર નીકળતી નથી. ઘણીવાર તો લોકો મોબાઈલમાં એટલાં મશગુલ થઈ જાય છે કે આસપાસ શું ચાલી રહ્યું છે તેનું પણ તેમને ધ્યાન રહેતું નથી. આવા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં મોબાઈલના લીધે એક યુવકે જીવ ગુમાવ્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં 22 વર્ષના એક આશાસ્પદ યુવકે મોબાઈલના લીધે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની હકીકત એવી છે કે ગોડાદરમાં રહેતો 22 વર્ષીય કવિકુમાર શાહ મોબાઈલ પર વાત કરતાં કરતાં બીજા માળેથી નીચે પટકાયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

મૃતકના સાળા પવનકુમારે કહ્યું કે, કવિકુમાર બીજા માળે ચાલતા ચાલતા મોબાઈલ પર વાત કરતા હતા. તે પોતાની પત્ની સાથે વાત કરતા હતા. રાત્રિના 12 વાગ્યાના અરસામાં વાત કરતાં કરતાં તે નીચે પડી ગયા હતા અને તેનું મોત નિપજ્યું હતું.
કવિકુમાર મૂળ બિહારના વતની છે. સુરતમાં એમ્બ્રોઈડરીના ધાગાનું કામ કરે છે. 22 વર્ષની નાની ઉંમરે કવિકુમારના અકાળ મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હોજીવાલામાં કામ કરતી વખતે બેભાન થઈ જતાં યુવકનું મોત
સુરત: હોજીવાલામાં કામ કરતી વખતે બેભાન થઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉધના રોડ નંબર 0 પર આવેલ સંજયનગર ઝૂંપડપટ્ટીમાં લાલચંદ સોડઇ સરોજ (39 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો.

લાલચંદ સચિન હોજીવાલા ખાતે આવેલી એક કંપનીમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારે બપોરે લાલચંદ કંપનીમાં ટેમ્પોમાં માલ ભરી રહ્યો હતો. તે સમયે અચાનક ઢળી પડતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top