Editorial

શ્રદ્ધાની હત્યાનો કિસ્સો ચેતવણીરૂપ: સરકાર હવે ‘લિવ ઈન’માં પણ આંતરધર્મ માટે નિયમો ઘડવા જરૂરી

પ્રેમને એક સમયે પવિત્ર માનવામાં આવતો હતો. પ્રેમની અનેક કહાનીઓ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રેમ બદનામ થઈ ગયો છે. તેમાં પણ તેમાં લવ જેહાદનો રંગ ભળતાં આજે દરેક સ્થળે પ્રેમને શંકાથી જોવામાં આવી રહ્યો છે. દાયકાઓ પહેલા હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના પ્રેમમાં બંને પક્ષના પરિવારો સિવાય કોઈને વાંધો નહોતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં ક્રુરતા ઉમેરાતા હવે સમસ્યા ગંભીર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ યુવતીઓને ભોળવીને તેની સાથે પ્રેમનું નાટક કરવાથી માંડીને છેલ્લે તેની હત્યા કરવા સુધીની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં દિલ્હી પોલીસે આવી જ એક ઘટનામાં આફતાબ અમીન પુનાવાલા નામના યુવાનની ધરપકડ કરી છે.

આફતાબે પોતાની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધા વોકરને 6 માસ પહેલા ગળે ફાંસો આપીને તેની હત્યા કરી અને બાદમાં તેના શરીરના 35 ટૂકડાઓ કરી નાખ્યા. આ ટૂકડાઓ ફ્રીજમાં મુકી રાખી બાદમાં ધીરેધીરે તેનો નિકાલ કર્યો. આફતાબ રોજ ફ્રીજમાં શ્રદ્ધાનું કપાયેલું માથું જોતો હતો. જે રૂમમાં લાશના ટૂકડા કર્યા તે જ રૂમમાં તે સુઈ પણ જતો હતો.
આફતાબે આ જઘન્ય કૃત્ય કર્યું હતું તે કોઈપણ રીતે માફ કરી શકાય તેમ નથી અને તેને તેના કૃત્ય જેટલી જ કડક સજા પણ મળવી જોઈએ. આવી જ બીજી ઘટના પણ પ્રકાશમાં આવી છે.

ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે સુફીયાન નામના યુવાન દ્વારા પણ નિધી ગુપ્તા નામની યુવતીને ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નિધી અને તેના પરિવારે તેનો ઈન્કાર કરતાં સુફીયાને નિધીને ચોથા માળેથી ફેંકી દઈને તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના અનેક મામલા સામે આવી રહ્યા છે. આવી ઘટનાઓને કારણે સમાજમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે. આવી ઘટનાઓમાં પોલીસ દ્વારા તેની રૂટિન કામગીરી પ્રમાણે હત્યારાને પકડવાથી માંડીને તેને સજા અપાવવાની કામગીરી કરવામાં આવશે પરંતુ આવી ઘટનાઓ અટકે તે માટે પગલા લેવામાં આવે તે જરૂરી છે.

મુસ્લિમ સમાજ દ્વારા એ જરૂરી છે કે આવી ઘટનાઓને વખોડવાની સાથે આવું કૃત્ય કરનારને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવે. સાથે સાથે મુસ્લિમ યુવાનોને એ સમજાવવામાં આવે કે લવ જેહાદથી દૂર રહે. બીજી તરફ હિન્દુ સહિતના સમાજની એ જવાબદારી બને છે કે દીકરીઓને એવી સમજ આપવામાં આવે કે આવી રીતે આવા યુવાનોની જાળમાં નહીં ફસાય. પ્રેમ કરવાનો વાંધો નથી પરંતુ તે માટે પાત્રતા જોવી તેટલી જ જરૂરી છે.

આજના સમયમાં માતા-પિતા ગુજરાન ચલાવવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના સંતાનોને સાચી સમજ આપવાથી ચૂકી જાય છે અને તેને કારણે યુવતીઓ આવા યુવાનોની જાળમાં ફસાઈ જાય છે. શ્રદ્ધાનો કિસ્સો પણ આવો જ છે. શ્રદ્ધાને એવી રીતે ભોળવવામાં આવી હતી કે તે તેના પરિવારથી દૂર થઈ ગઈ હતી. ત્યાં સુધી કે લાંબા સમયથી તે તેના પરિવાર સાથે વાત પણ કરતી નહોતી. જો તેના પરિવાર સાથે તેની વાતચીત ચાલતી હોત તો શક્ય છે કે પોતાની સમસ્યા પરિવારને કહી શકી હોત અને આ રીતે ભોગ બનવાથી બચી ગઈ હોત. સરકારે હવે આ મુદ્દે ગંભીર થવાની જરૂરીયાત છે. સરકારે આંતરધર્મિય લગ્ન માટે નિયમો ઘડ્યા તો હવે તેની છટકબારીના ભાગરૂપે લિવ ઈન રિલેશનશિપ શોધી કાઢવામાં આવી. સરકારે હવે લિવ ઈન રિલેશનશિપમાં પણ આંતરધર્મ મુદ્દે નિયમો ઘડવા જોઈએ. શ્રદ્ધાનો કિસ્સો એ એક ચેતવણીરૂપ છે. સરકારે તેનાથી ચેતી જવાનું રહેશે અન્યથા આવી ઘટનાઓ વધશે તેમાં કોઈ બેમત નથી.

Most Popular

To Top