SURAT

ઉંઘતું તંત્ર અચાનક જાગ્યું, રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગે ઉજાગરા વેઠી રાત્રે પણ મિલકતો સીલ કરી

સુરત: શહેરમાં આજે સતત ત્રીજા દિવસે ફાયર વિભાગ દ્વારા 6 માર્કેટ સહિત બેંક, હોટલ અને હોસ્પિટલો સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ફાયર સેફટીની સુવિધા વિના ધમધમતાં માર્કેટ અને કોમ્પલેક્ષની સેંકડો દુકાનો સીલ કરવામાં આવી છે. આ સીલીંગની કામગીરી ગઈકાલે રાત્રે પણ ચાલતી રહી હતી. અનેક પ્રસૃતિ ગૃહ અને હોસ્પિટલ સહિતના એકમોમાં પણ ફાયર સેફટીની સુવિધા ન હોઈ વિભાગ દ્વારા સીલિંગની કામગીરી કરવામાં આવી છે.

રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન હોનારત બાદ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાઈકોર્ટ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવા સાથે રાજય સરકાર અને મહાનગર પાલિકાઓને આડે હાથ લીધી હતી. ફાયર સેફટી અને બીયુ જેવી સુવિધાઓ મુદ્દે આંખ આડા કાન કરતાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જ ગઈકાલે રાતથી શહેરનાં તમામ ઝોન વિસ્તારમાં વધુ એક વખત મોટા પાયે સિલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં લિંબાયત ઝોનમાં ક્રમેલા દરવાજા પાસે આવેલ જે.ડી. ટેક્સટાઈલ માર્કેટ, સોમેશ્વર ટેક્સટાઈલ માર્કેટ અને 6 પુઠાનાં ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે.

વરાછા ઝોન એમાં કુબેરનગર ખાતે આવેલ વન્ડરફૂલ એકેડમી સ્કુલ અને કતારગામ ઝોનમાં ડભોલી રોડ ખાતે આવેલ શિવાલિક કોમ્પલેક્ષની 133 દુકાનો સીલ કરવામાં આવી છે. આ કોમ્પલેક્ષમાં એક હોસ્પિટલ સહિત બે હોટલ અને 2 કોચિંગ ક્લાસીસને પણ સીલ કરવામાં આવ્યા છે. આ સિવાય રાંદેર ઝોનમાં ગેલેક્ષી સર્કલ પાસે લા પેન્તોલા ફૂડ કોર્ટ, પાલ રોડ પર રેસ્ટોરેન્ટ કોરિડોર અને સારસ્વત કો.ઓ. બેંકને સીલ કરવામાં આવી છે.

જ્યારે ઉધના ઝોનમાં મહાલક્ષ્મી માર્કેટ ખાતે આવેલ વર્ધમાન હોસ્પિટલ, પાર્ક પ્રસૃતિ ગૃહ, ડો. સ્પાઈન ક્લીનીક, વર્ધમાન મેડિકલ સ્ટોર અને ટ્યુશન ક્લાસ સહિત 94 દુકાનો સીલ કરવામાં આવી છે. આ સિવાય અઠવા ઝોનમાં રિજિયન આર્કેડ ખાતે આવેલ સીએ કોચિંગ ક્લાસ, મહાવીર કોલેજ રોડ ખાતે આવેલ ઓફિસ બિનેસ હબની 205 દુકાનો અને તેમાં આવેલી 4 હોટલ અને 1 જીમને સીલ કરવામાં આવી છે. આ સિવાય વેસુ કેનાલ રોડ પર આવેલા 9 હાઈ સ્ટ્રીટમાં 3 ટ્યુશન ક્લાસીસ અને મગદલ્લા ગામમાં આવેલા રાજ મંદિર કોર્નર વિરૂદ્ધ પણ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દર્દીઓ સાથેના વોર્ડને સીલ ન કરાયા
સુરત ફાયર વિભાગે બે દિવસમાં 12 થી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યાં છે. ફાયર સેફ્ટી, બીયુસી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉલબ્ધ કરવામાં નહોતા આવ્યાં. જેથી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યાં છે.

વેસુમાં ડ્રિફૂટ ગેમઝોનના માલિકો સામે ગુનો નોંધાયો
રાજય સરકારના આદેશ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી મુદ્દે સઘન કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આદેશના બીજા જ દિવસે સુરત શહેરમાં ધમધમતા 18 જેટલા ગેમ ઝોન સીલ કરી દેવામાં આવ્યા હતા અને તેઓની સામે હવે પોલીસ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે.

સુરત શહેરમાં વસુ, કતારગામ, સીંગણપોર સહિત અલગ અલગ પોલીસ મથકોમાં અલગ અલગ ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે વેસુ વિસ્તારમાં આવેલ વેસુ પ્રાઈમ શોપર્સ પાસે સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા શાલીન એન્ટરટેનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડ્રિફ્ટ ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ થયો છે. જેમાં પોલીસે સુનયભાઈ મહેશચંદ્ર પચ્ચીગર (મેનેજર) (રહે-સી/603 હેપ્પીનેસ બિલ્ડિંગ પાલ ગાર્ડનની બાજુમા પાલ), મિનેશકુમાર કાંતિલાલ પટેલ (રહે- શાશ્વત બંગલો ભુલકા ભવન સ્કુલની સામે અડાજણ), હિતેશભાઈ દશરથભાઈ પટેલ (રહે- બી/104 અમરજયોત એપાર્ટમેન્ટ વરાછા) વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તેઓ દ્વારા ગેમ ઝોનમાં કોઈપણ પ્રકારના પ્લાન મંજૂરી વગરતેમજ પ્રિમાઇસિસનું લાયસન્સ રીન્યુ ન કરાવી ગેમ ઝોનમાં આવનાર જાહેર જનતાની જિંદગી તથા શારીરિક સલામતી જોખમમાં મૂકી બેદરકારી દાખવા બદલ પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top