સુરતઃ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું ટ્રાફિક નિયમન માત્ર ટ્રાફિક સિગ્નલ્સ પુરતું સિમીત હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં અકસ્માતોના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. શહેરના રસ્તાઓ પર યમરાજ ફરી રહ્યાં હોય તેમ એક બાદ એક ગંભીર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. બુધવારે રાત્રિએ સુરતના પાલ-ઉમરા બ્રિજ પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
બુધવારની રાતે પાલ ઉમરા બ્રિજ ખાતે કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું, જ્યારે કાર ચાલક સહિત ચાર યુવાનોને ઇજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની વધુ મળતી માહિતી અનુસાર પાલ ઉમરા બ્રિજ ખાતે અકસ્માતમાં અડાજણના સ્પર્શ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા 44 વર્ષીય ચિંતન માલવિયાનું મોત નિપજયું છે. ચિંતન માલવિયા તેમના મિત્ર પાર્થ મહેતા સાથે બાઈક પર પાલ ઉમરા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે સામા ઉમરા તરફના છેડેથી કાર નંબર જીજે-21-8299 પૂરઝડપે આવી હતી.
કોઈ કારણસર કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદીને આવી હતી અને ચિંતન અને પાર્થની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને લીધે બાઈક સવાર બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. કાર પણ પલટી મારીને ઉંધી થઈ ગઈ હતી. આ દરમિયાન ચિંતનનું વધારે ઈજા થવાથી મોત નિપજ્યું હતું.
કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું. ચિંતનના મોતને લઈને પરિવારમાં શોકનો મોજું ફરી વળ્યું હતું. ત્યારે ચિંતન સાથે રહેલા તેના મિત્રને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ફૂલસ્પીડમાં દોડતી કાર ડિવાઈડર કૂદી સામેના રોડ પર ધસી ગઈ હતી, અન્ય કારને પણ અડફેટે લીધી
વધુમાં મળતી માહિતી અનુસાર પાલ ઉમરા બ્રિજ પરથી મોડી રાત્રે ફુલસ્પીડમાં કાર દોડી રહી હતી. ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ધસી ગઈ હતી, જ્યાં બાઈક પર પસાર થતા ચિંતન માલવિયા અને તેમના મિત્રને કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચિંતન માલવિયાનું મોત થયું છે. આ અકસ્માતમાં કારચાલક સહિત 4 યુવકોને ઈજા થઈ છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર પલટી મારીને ઊંધી થઈ ગઈ હતી. બાઈક ઉપરાંત અન્ય એક કારને પણ ટક્કર લાગી હતી. અકસ્માત મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો સાંપડી છે.