વાસણા ભાયલી રોડ પર મધરાત્રે કૂતરું આડે આવતા કાર પલ્ટી ખાતા આગ

વડોદરા : આણંદથી વડોદરા ઘરે પરત ફરી રહેલા પિતા પુત્રની કારને વાસણા ગામ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ વચ્ચે કૂતરું આવી જતા મધરાત્રે અકસ્માત નડ્યો હતો.કાર રોડ સાઈડ ના ખાડામાં ઉતરી ગઈ હતી.સદ્નસીબે પિતા પુત્રને જાનહાની થઈ ન હતી.જોકે વહેલી પરોઢિયે કારમાં આગ લાગતા અનેકતર્ક વિતર્ક સર્જાયા હતા.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા.અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ મામલે ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતા દિપકભાઈ જયંતિભાઈ ઠક્કર બિલ્ડીંગ કંન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેઓ કામ અર્થે પોતાના પુત્ર સાથે આણંદ ખાતે ગયા હતા.જ્યાંથી વડોદરા ઘરે પરત ફરતી વેળાએ મધરાત્રે 3:30 વાગ્યે વાસણા ગામ પાસેના હનુમાનજી મંદિર નજીક રોડ વચ્ચે કૂતરું આવી જતા કાર ખાડામાં ઉતરી ગઈ હતી.સદ્નસીબે સર્જાયેલા આ અકસ્માતમાં પિતા પુત્રનો આબાદ બચાવ થયો હતો.જોકે અડધા કલાકના સમયગાળામાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પરંતુ આગ ઉપર કાબુ મેળવે તે પહેલાં જ આગની લપેટમાં કાર ખાખ બની હતી.સોમવારે વહેલી સવારે અકસ્માત બાદ આગની ઘટનાએ અનેકતર્ક વિતર્કો સર્જ્યા હતા.આ બનાવ અંગે ગોત્રી પોલીસે અકસ્માત બાદ કારમાં કયા કારણોસર આગ લાગી કે લગાડવામાં આવી તે દિશામાં આગળની તપાસ હાથધરી છે.

Most Popular

To Top