SURAT

કતારગામના પ્રાણનાથ હોસ્પિટલ સામે બે મહિનાથી રસ્તામાં પડેલી કારમાં અચાનક આગ લાગી

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં પ્રાણનાથ હોસ્પિટલની સામે રસ્તા પર પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગી હતી. મધરાતે અંદાજે 2 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. બે મહિનાથી પડેલી કારને સ્ટાર્ટ કરવા જતા બોનેટમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા.

કારમાલિકે સમયસર બહાર નીકળી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. આગ વધુ ઉગ્ર બની હતી. જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે પહેલાં કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. ફાયરના સૂત્રોએ જણાવ્યું કે છેલ્લાં બે મહિનાથી કાર રસ્તા પર પાર્ક હતી. કારનું પાસિંગ રિન્યુ કરાવવાનું હોવાથી રાત્રે કારને સ્ટાર્ટ કરી હતી. સ્ટાર્ટ કરવા સેલ્ફ મારતા જ શોર્ટ સર્કિટ થયો હતો અને કાર સળગી ઉઠી હતી.

પલસાણામાં કાપડની મિલમાં આગ લાગી
ગઈ મોડી રાત્રે પલસાણાના તાંતીથૈયા જીઆઈડીસીમાં આવેલી કદામવાળા ડાઈંગ મિલમાં પણ આગ લાગી હતી. મોડી રાત્રે મિલમાં એકાએક આગ લાગી હતી. આગ ખૂબ જ ભીષણ હતી. ફાયરના જવાનોએ આખી રાત આગ ઓલવવા મહેનત કરી હતી. સવાર સુધી કુલિંગની કામગીરી ચાલી હતી.

ફેક્ટરી બંધ હોવાના લીધે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીમાં ફિનિશિંગ ગુડ્સના 8000 ટકા તેમજ 70 લાખ મીટર કપડું હતું, જે બળીને ખાક થઈ ગયું હતું. ફાયરના સૂત્રોએ જણાવ્યું કે બુધવારે રાત્રે 11 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. આગ ભીષણ હોઈ પલસાણા ઉપરાંત બારડોલી, માંડવી, કડોદરા, સચિન હોજીવાલાથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગમાં ત્રણ સેન્ટ્રલ મશીન, ત્રણ ફોલ્ડીંગ મશીન સહિત અનેક મશીનોને મોટું નુકસાન થયું છે.

Most Popular

To Top