આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરા ગામની સીમમાં દીપડાએ દેખાતા ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતાં તાત્કાલીક પાંજરું મુકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, મોડી સાંજ બાદ સીમ વિસ્તારમાં ન જવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. બોરસદના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરાની સીમમાં દીપડો છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. આ અંગે ગામના સરપંચ મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દહેવાણ ગામના મેઇન રોડ પર આવેલા સુકાઇ ગયેલા તળાવના કિનારે દિપડો જોવા મળ્યો હતો. જેથી તુરંત વન વિભાગને જાણ કરતા ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જોકે, દીપડાની હાજરીના કેટલાક નિશાન મળતાં એક પાંજરું મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનો અને દિયા ફાઉન્ડેશનના ધવલ પટેલ અને વન વિબાગ દ્વારા દીપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બોરસદના દહેવાણ સીમમાં દીપડો દેખાતાં પાંજરું મુકાયું
By
Posted on