પેટલાદ : પેટલાદના ભરબજારમાં એસટી બસ સ્ટેન્ડ સામે આવેલી કરિયાણાના વેપારી મોડી રાત્રે દુકાન બંધ કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં, તે સમયે બાઇક પર આવેલા બે શખસે તેમનું રોકડ ભરેલું પાકીટ ઝુંટવવા કોશિષ કરી હતી. જોકે, વેપારીએ પ્રતિકાર કરતા તેમને છરાના ઘા ઝીંકી દીધા હતા અને પાકીટ લૂંટી ફરાર થઇ ગયાં હતાં. પેટલાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પેટલાદના એસટી સ્ટેન્ડ સામે હંસરાજ જશનદાસની કરિયાણાંની દુકાન આવેલી છે. તેઓ રોજની કામગીરી મુજબ સોમવાર રાત્રે આઠ કલાકના સુમારે દુકાનના માલિક અને તેમનો પુત્ર અંકિત વેપાર અને ઉઘરાણીની રોકડ રકમ આશરે એકાદ લાખ રૂપિયા થેલામાં ભરી ઘેર જવાની તૈયારી કરતા હતા.
તે જ સમયે હેલ્મેટ પહેરેલો એક ઈસમ દુકાન તરફ ધસી આવી અંકિત પાસેથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી રહ્યો હતો. તે સમયે અંકિત અને તેના પિતાએ લૂંટારા પાસેથી રોકડ રકમ ભરેલો થેલો પરત લેવા માટે ઝપાઝપી કરતા લૂંટારૂએ છરો કાઢી અંકિત ઉપર હુમલો કરી નાસી છૂટ્યો હતો. જેને કારણે અંકિતને માથાં અને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી. એટલી વારમાં આજુબાજુના વેપારીઓ અને રિક્ષાવાળાઓ દોડી આવી લૂંટારૂને પકડવા તેની પાછળ દોડ્યા હતા. પરંતુ લૂંટારૂ બસ સ્ટેન્ડમાં ઘૂસી જઈ એક બાઈક ઉપર તેની સાથે આવેલા સાગરીત સાથે બંન્ને નાસી છૂટ્યા હતા. આ બનાવને લઈ અંકિતે તરત જ પેટલાદ ટાઉન પોલીસ મથકને જાણ કરતાં પાલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ બંન્ને અજાણ્યા લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ બનાવના પગલે શહેરના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે. જોકે, પોલીસે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો.
એસટીના સીસીટીવી શોભાના ગાંઠીયા
પેટલાદમાં રોકડ ભરેલો થેલો લઈ લૂંટારૂ એસટી સ્ટેન્ડમાં ઘૂસ્યો હતો. જ્યાં તેનો સાગરીત બાઈક ચાલુ રાખીને તૈયાર જ હતો. પરંતુ આ બંન્ને લૂંટારૂઓએ હેલ્મેટ પહેરેલા હતા. આ સઘળી માહિતી એસટીના સીસીટીવીમાં હશે તેવું માની ફુટેજ માટે પોલીસે તપાસ કરી હતી. પરંતુ એસટીના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફુટેજનુ રેકોર્ડીંગ રાખવાની કોઈ જ વ્યવસ્થા કે હાર્ડ ડિસ્ક સિસ્ટમમાં નહીં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આટલું મોટુ એસટી સ્ટેન્ડ દિવસ દરમ્યાન ધમધમતું હોવા છતાં ફુટેજ સ્ટોર રાખવાની કોઈ સિસ્ટમ જ ના હોવા સામે વેપારીઓ અને સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.