Gujarat

શેર બજારમાં ધનાઢ્ય બની જવાની લાલચમાં વાપીના વેપારીએ રૂ. 1.15 કરોડ ગુમાવ્યા

શેર બજારની ખરીદ વેચાણ દર્શાવતી આબેહુબ એપ્લિકેશન બનાવી સાઇબર ઠગો લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે.
જો તમારે શેર બજારમાં નાણાકિય રોકાણ કરવું છે. તો તમારે કોઇ જાણિતી એપ્લિકેશન થકી જ શેરમાં રોકાણ કરજો. જો લોભ લાલચમાં આવી ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરી તો રોવાનો વારો આવશે.

આવું જ કંઇ વાપીના એક વેપારી સાથે બન્યું છે. લોભ લાલચમાં આવી તેણે ભળતું જ વોટ્સેપ ગૃપ જોઇન કર્યું અને તેમની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં વારા ફરથી પૈસા જમા કરાવતા ગયા અને જ્યારે ઉપાડવા ગયા ત્યારે ખબર પડી કે તેમને રૂ. 1.15 કરોડનો ચૂનો લાગી ગયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપીના એક વેપારીએ ફેસબુક પર રીલ જોતા જોતા શેર બજારમાં રોકાણ કરી અઢળક કમાણી કરાવતી ટીપ્સ આપતું વોટ્સેપ ગૃપ જોઇન કર્યું હતુ. આ ગૃપમાં લોભામણી વાતો જોઇ તેણે તેમના દ્વારા અપાયેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં પૈસા જમા કરાવ્યા હતા.

આ એપ્લિકેશનમાં પૈસા જમા કરાવતા સમયે તેના પૈસા અનેક જુદા જુદા એકાઉન્ટમાં જમા થતા હતા. જે એપ્લિકેશન સાથે સંગત થતા ન હતા. તેમ છતાં તેમને તેની જાણ ન થઇ અને તેમણે સતત પૈસા જમા કરાવ્યે રાખ્યા હતા. જ્યારે તેઓ શેર વેંચીને પૈસા કાઢવા ગયા ત્યારે તેમના પૈસા નિકળ્યા જ નહી અને તેમને છેતરાયા હોવાની અનુભૂતિ થઇ હતી. જેના પગલે તેમણે વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

એપ્લિકેશનમાં શેરની ખરીદ વેચાણ દર્શાવાતું હતુ:
વાપીના વેપારીએ ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનમાં તેનું એકાઉન્ટ બન્યું અને તેમણે શેર ખરીદ્યા એવું દેખાતું પણ હતુ, પરંતુ આ બધું ખોટું હતુ. તેનું કોઇ એકાઉન્ટ ખુલ્યું ન હતુ અને તેના કોઇ પણ શેર ખરીદાયા ન હતા. તેણે જમા કરાવેલી રકમ સાઇબર ઠગો પાસે પહોંચી જતી હતી.

Most Popular

To Top