SURAT

વીકએન્ડ પર સુંવાલીના દરિયા કિનારે બિચ ફેસ્ટિવલનું આયોજન: કિર્તીદાન ગઢવી જમાવશે ડાયરો

  • સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય બિચ ફેસ્ટિવલનું આયોજન
  • તા. 24 અને 25 ફેબ્રુઆરીના રોજ સુંવાલી કિનારે બિચ ફેસ્ટિવલ
  • પ્રસિદ્ધ લોકગાયક કિર્તિદાન ગઢવી 24મી ફેબ્રુઆરીએ ડાયરો સજાવશે
  • સુંવાલી બિચના વિકાસ માટે 48 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ: હર્ષ સંઘવી
  • સુંવાલીના દરિયા કિનારા સુધી જવા માટે અડાજણથી બસ શરૂ કરાશે: ગૃહમંત્રી

સુરત(Surat): દરિયા કિનારાના પ્રવાસન સ્થળો અને વિવિધ બીચને ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા. 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુંવાલીના દરિયા કિનારે (SuvaliBeach) બે દિવસીય બિચ ફેસ્ટિવલનું (BeachFestival) આયોજન કરાયું છે.

ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (HarshSanghvi) બિચ ફેસ્ટિવલ સંબંધિત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય અને સ્થાનિકોને રોજી મળે એવા હેતુથી આયોજિત બીચ ફેસ્ટિવલમાં તા.24મીએ સાંજે લોકગાયક કિર્તિદાન ગઢવી (Kirtidan Garhvi) ડાયરામાં સુરતીઓને ડોલાવશે. બે દિવસ દરમિયાન ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર અને વિવિધ સ્પોર્ટ્સ જેવા વિશેષ આકર્ષણો રહેશે.

સુંવાલી બીચના વિકાસ માટે 48 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ: ગૃહમંત્રી
ગૃહમંત્રીએ કહ્યું કે આ બીચના વિકાસ માટે 48 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેનાથી બિચનું આખું રૂપ બદલાય જશે. વિવિધ પ્રકારની પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરાશે. સુંવાલી બીચનો ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં વિકાસ થશે. ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

સુંવાલી જવા અડાજણથી બસ દોડાવાશે
સુરત શહેરથી સામાન્ય લોકો બીચ સુધી જઈ શકે એ માટે અડાજણ બસ સ્ટેન્ડથી બપોરે એક બસની સુવિધા પણ આપવામાં આવશે. જે રાત્રે પરત આવશે. જરૂર પડશે તો બસની સંખ્યા વધારાશે. આ બસ સેવા બાદમાં કાયમી રહેશે.

બીચ પર ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો તૈનાત રહેશે
સુંવાલી બીચ પર દર વર્ષે ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ પણ બને છે એ બાબતે ગૃહમંત્રીએ લોકોને દરિયામાં નહાવાનું કે ખોટા સ્ટંટ ન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત સલામતી ખાતર ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો પણ તૈનાત રહેશે.

Most Popular

To Top