Gujarat

રાજસ્થાનના રણુજાથી દર્શન કરી પરત ગુજરાત જતા 55 ભક્તોની બસ આબુ રોડ પર નદીમાં ખાબકી

અંબાજીઃ અંબાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે તા. 3 ઓગસ્ટને શનિવારે બપોર બાદ અંબાજી આબુ રોડ હાઈવે પર એક ખાનગી બસ નદીમાં ખાબકી હતી. બસ નદીમાં પડી ત્યારે તેની અંદર 55 મુસાફરો બેઠાં હતાં. આબુરોડના પહાડી અને વળાંક વાળા માર્ગ પરથી બસ નદીમાં પડતાં મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ અકસ્માતમાં 12 મુસાફરોને ઈજા થઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી પાસે આબુરોડ માર્ગ પર સુરપગલાં નજીક બસનો અકસ્માત થયો હતો. માહિતી મળતાં જ આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા. જેમાંથી 12 મુસાફરો ઘાયલ થયા હતા.

રણુજાથી દર્શન કરી ભક્તો ગુજરાત જતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં 55 મુસાફરો હતા. આ મુસાફરો રણુજાથી દર્શન કરી પરત ગુજરાત જઈ રહ્યાં હતાં ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા પર રાજસ્થાનના રણુજા ગયા હતા. પરત આવતી વખતે આબુ રોડ અંબાજી વચ્ચે અકસ્માત થયો હતો. આબુ રોડના પહાડી વળાંક વાળા રસ્તા પર આ ચોથો અકસ્માત થયો છે. અગાઉ એક બસ અને બે ટ્રક નદીમાં પડ્યા હતા. અકસ્માતની જાણ થતા રાજસ્થાન પોલીસ દોડી ગઈ હતી અને વરસતા વરસાદમાં નદીમાં ઉતરી લોકોના જીવ બચાવ્યા હતા.

Most Popular

To Top