શિવપુરી: કેદારનાથ જઈ રહેલી યાત્રાળુઓની એક બસમાં મધ્યપ્રદેશના શિવપુરીમાં આગ લાગી હતી. સમયસર યાત્રાળુઓ બસની બહાર નીકળી જતા તમામ 30 યાત્રીઓનો બચાવ થયો હતો.
મધ્યપ્રદેશના શિવપુરીમાં કોલારસ સ્ટેશન વિસ્તારમાં ફોરલે હાઇવે પર એક તીર્થયાત્રીઓની બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના 30 યાત્રીઓ સવારી કરી રહ્યા હતા. તેઓ બદ્રીનાથ કેદારનાથ જઈ રહ્યા હતા. બસમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આ ઘટનાની જાણકારી ફાયર બ્રિગેડને થતા તરત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં આગ લાગતા યાત્રીઓ ઝડપથી બહાર નીકળી ગયા હતા, તેના લીધે તમામ યાત્રીઓનો સુરક્ષિત બચાવ થયો હતો.
એક મહિલા યાત્રીએ ઘટના વિશે જણાવ્યું કે બસ નીચે ધુમાડો નીકળતો જોઈને બધા તીર્થયાત્રીઓ ગભરાયા હતા. બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તરત જ બસને હાઇવે પર રોકી દીધી હતી અને ઝડપથી યાત્રીઓને બહાર કાઢ્યા હતા. બધા યાત્રીઓ સામાન બસમાં છોડીને જીવ બચાવી બહાર દોડી ગયા હતા. આ ઘટનામાં બસ આખી સળગીને ખાખ થઈ ગઈ છે.
આ ઘટનાની જાણકારી શિવપુરીના પોલીસ અધિકારી અમનસિંહ રાઠોરે કહ્યું કે બસ મહારાષ્ટ્રના બુલઢાણાથી કેદારનાથ,બદ્રીનાથ જઈ રહી હતી ,તેમાં 30 યાત્રીઓ સવારી કરી રહ્યા હતા. આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. બધા મુસાફરો સુરક્ષિત રીતે બસની બહાર નીકળ્યા અને આ ઘટનામાં બાળકો પણ સામેલ છે . યાત્રીઓને પાછા ઘરે જવાની વ્યવસ્થા કરે છે.