ભરૂચથી દહેજ SRF કંપનીમાં રાત્રિ પાળીમાં કામદારો લઈ જતી બસ અટાલી ગામ પાસે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ કામદારોના જીવ અધ્ધર થઇ ગયા હતા. કામદારોએ જીવ બચાવવા બસની બારીઓમાંથી નીચે કુદીને પોતાની જાન બચાવી હતી. સમગ્ર ઘટના અંગે સદ્દનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ જીલ્લામાં દહેજમાં ઔદ્યોગિક નગર બની ગયું છે. જેને લઈને કામ કરતા કામદારોને લાવવા લઇ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે. ત્યારે ગુરુવારે દહેજમાં આવેલી SRF કંપનીના કામદારોને મધરાત્રે ભરૂચથી દહેજ જવા બસ નીકળી હતી. એ વેળા અટાલી ગામ પાસે વૈભવ હોટેલ નજીક રોડ પર જતી આ બસ એકાએક પલટી ખાઈ ગઈ હતી. બસમાં બેઠેલા અને નિંદર માણી રહેલા કામદારોનાં જીવ તાળવે ચોટી ગયા હતા. અકસ્માતને પગલે બસમાં સવાર કામદારો પોતાનો જીવ બચાવવા માટે બસની બરીમોમાંથી બહાર કુદ્યા હતા. જોકે,આ સમયે ત્યાંથી પસાર થતી અન્ય બસના કર્મીઓ પણ મદદે આવતા કામદારોને બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો લીધો હતો.