Business

ઉજ્જવળ ભાવિ પર તોળાતી તલવાર સાંસ્કૃતિક વારસા પર ફરી રહેલા બુલડોઝર

વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ કલા નગરીનું બિરુદ વડોદરાની ઓળખ નોખી રહી છે. પણ કમનસીબે શહેરની આ વારસાગત ઓળખ પર બુલડોઝર ફરી રહ્યું છે, અથવા તો ફરી ગયું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઇ જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક રેલવે શેડને જમીન દોસ્ત કરી દેવાયું હોવાની વાત થઇ છે. બુલેટ ટ્રેનના રસ્તાને માર્ગ આપવા માટે એ રેલવે શેડને જમીનદોસ્ત કરી દેવાયું છે જ્યાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે બોગીમાં મુંબઇ જતા તેને રખાતી, આ કોઇ સામાન્ય બોગી નહોતી પણ તેમાં મહારાજા મુસાફરી કરતા એટલે તેમાં ડાઇનિંગ, બેડરૂમ અને લિવિંગ રૂમ જેવી સવલતો રહેતી.

આ ઇમારત આમ પણ જર્જરીત હાલતમાં હતી કારણ કે તે મુખ્ય રસ્તાની સાવ નજીક હતી અને કોઇપણ હેરીટેજ ઇમારતને વાહનો, પ્રદૂષણ વગેરેની માઠી અસર થતી જ હોય છે. પરંતુ કલાનગરી વડોદરાનો ખોંખારો ખાનારા આ શહેરને માટે આ ચોક્કસ નાલેશી ભર્યું જ કહેવાય કે એક ઇમારતને જર્જરીત થવા દેવાઇ અને હવે તેને હંમેશને માટે ખલાસ કરી દેવાઇ. વિરોધભાસ તો એ છે કે આ તોડી પડાયેલા ટ્રેન શેડના ફેસ લિફ્ટ માટે બે વાર યોજનાઓ થઇ ચૂકી છે પણ સરકારી કચેરીઓમાં એ ફાઇલ વખારે ચઢી ગઇ હશે અને હવે ૧૮૮૦ની આસપાસ બનાવાયેલી આ ઇમારત હતી ન થઇ હતી થઇ ગઇ છે.

વડોદરામાં ગાયકવાડી પરિવારે આપેલા વારસાનો છેદ ઉડી જાય તો વડોદરામાં શું રહેશે? વારસો માત્ર વિચારોમાં તો ન જીવી શકે તેના પુરાવા સચવાય તો જ ભવિષ્ય ઘડવાનો પાયો મજબુત બને તે વાસ્તવિકતા સમજવી કંઇ અઘરી નથી. પરંતુ છતાં ય ‘કલાનગરી’ વડોદરાએ વિકાસ માટે વારસો ગુમાવવાનો વારો આવ્યો. હજી ગયા મહિને અહીંની એ શાળા જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલ ભણ્યા હતા તેવી એક્સપેરીમેન્ટલ સ્કૂલ પર પણ તવાઇની તલવાર તોળાવના સમાચાર ઝળક્યા હતા.

ગુજરાતમાં વડોદરા, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો જ્યાં રાજા રજવાડાં હતાં ત્યાં સાંસ્કૃતિક વારસાની ધરોહર હંમેશાથી રહી છે. અમદાવાદને તો વર્લ્ડ હેરીટેજ સિટીનું બિરુદ મળી ચૂક્યું છે. તાજેતરમાં ગુજરાતમાં ધોળાવીરાને પણ UNSCOએ વર્લ્ડ હેરીટેજ સાઇટનું ટાઇટલ આપ્યું છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસને લગતું ઘણું બધું આખાય રાજ્યમાં પથરાયેલું છે. મીડિયા, વિવાદો અને ક્યારેક સંશોધકોની રૂચિને કારણે લોકોને આમાંથી મોટાભાગની ધરોહર વિશે આછો પાતળો ખ્યાલ રહ્યો છે પણ તેની જાળવણી અંગેની જાગરૂકતા છેલ્લા દોઢ-પોણા બે દાયકામાં વધારે ધારદાર બની છે.

છતાં પણ આ શહેરોમાં આ વારસાને જાળવવાને મામલે ચૂક થતી આવી છે. જેમ કે જૂનાગઢ શહેરમાં નવાબી સમયની ચિત્તાખાના ચોકની કન્યાશાળા ધરાશયી થઇ છે. વળી અમૂક શહેરોમાં તો જે સાંસ્કૃતિક વારસો નથી તેને હેરિટેજને નામે ચલાવવાના ધખારા પણ થયાં છે, જેની પાછળ સરકારી દાનત અને ખાનગી હિતોનાં સમીકરણો કામ કરી જતાં હોય છે. હેરીટેજ સિટી બનેલા અમદાવાદને હવે UNSCOને રિપોર્ટ આવાની ઘડી નજીક આવી છે ત્યારે અવગણાયેલી સુચનાઓ, ભંગ થયેલા નિયમો જેવી બાબતો અડચણો ન બને તે માટે તંત્ર છેલ્લી ઘડીએ સાબદું થયું હોવાના વાવડ તો છે, પણ આખરે આવા મામલે તો નીવડે વખાણ જેવી જ સ્થિતિ હોય. ૨૦૧૯માં અમદાવાદના હેરિટેજના લિસ્ટમાં આવેલી ઇમારતો પર ડિમોલીશનનું જોખમ હતું. આધુનિક વારસાની વાત કરીએ તો IIM અમદાવાદમાં જ લેજેન્ડરી અમેરિકન આર્કિટેક્ટ લુઇ કાને કરેલા પ્રતિષ્ઠિત બાંધકામને તોડી પાડવાની ચર્ચા પણ ચાલી હતી જે વિરોધને પગલે અટકી ગઇ.

સુરતની વાત કરીએ તો તે હંમેશાથી આર્થિક કેન્દ્ર જ રહ્યું છે જ્યાં ૮૪ બંદરના વાવટા ફરક્યા છે તેવું શહેર, જ્યાંથી અકબર બાદશાહ હજ પર ગયા છે તેવું શહેર જ્યાં અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ઇસ. ૧૬૦૦માં સ્થાપી તેવું શહેર. આ શહેરનો ઇતિહાસ પૈસા સાથે જોડાયેલો રહ્યો છે, અનેકવાર લૂંટાયેલું સુરત સમૃદ્ધી ચાહનારાઓનું ચહિતું રહ્યું છે.  દરિયા કાંઠો અને નદીને કારણે વારંવાર પુરમાં તણાતા આ શહેરમાંથી અંગ્રેજો મુંબઇ તરફ વળ્યા. એક સમયે અહીં કોટ પણ હતો અને બાર દરવાજા પણ હતા, આજે દરવાજાના નામ રહ્યા છે અને કતારગામ વિસ્તારમાં એક સમયના કોટની દિવાલના અવશેષ નજરે ચઢે છે પણ ધંધા-પાણીને પગલે મુંબઇની નજીક હોવાને કારણે સુરત અમુક મામલે હાંસિયામાં ધકેલાયું. આધુનિક સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં પબ્લિક આર્ટ ક્ષેત્રે કામ થયું છે, અહીં ઉદ્યોગો છે, અમદાવાદમાં મહાજન સંસ્કૃતિનો વારસો છે, મુગલ કાળની ધરોહરો છે.

વળી  એક માત્ર વિક્રમ સારાભાઇએ ખડાં કરેલા સંસ્થાનો પણ કોઇ સમૃદ્ધ વારસાથી કમ નથી ત્યારે સયાજીરાવ ત્રીજાના વડોદરામાં જો રાજવી વારસાનો છેદ ઉડી જાય તો પછી શહેર પાસે ‘કલા નગરી’ના નામનો ખોંખારો ખાવા જેવું કશું બચે નહીં તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. વિકાસ અને ધર્મની દોડમાં ઇતિહાસનાં પાનાં ગાયબ ન થઇ જાય તે બહુ જરૂરી છે. બુલડોઝરો અને બુલેટ ટ્રેન્સ આ કામ સિફતથી કરી રહ્યા છે જે ચોક્કસ ચિંતા જનક છે.

Most Popular

To Top