ફરી એક બજેટ અને ફરી ઘણી બધી ચર્ચા. સરકાર પાસેથી ખૂબ બધી અપેક્ષા અને પાછલાં કામોની આલોચના. નવી ઉદારીકરણ નીતિના દાયરામાં આર્થિક પ્રશ્નોની બાબતે સરકારની ભૂમિકાનું મહત્ત્વ ઘટ્યું હોવાને કારણે પાછલાં વર્ષોમાં બજેટનું કદ ઘટ્યું છે. તેમ છતાં દેશના આર્થિક પ્રવાહોને સમજવા કેન્દ્ર સરકારનું બજેટ એક મહત્ત્વનો પ્રસંગ છે. બજાર પણ સંપૂર્ણપણે સ્વયંભૂ સંચાલિત નથી. ખાનગી ક્ષેત્રને ટકી રહેવા માટે સરકારની સહાય જોઈતી હોય છે એટલે, સરકાર કયા અને કેવા ખર્ચ કરવાની છે તેમજ કોની પાસેથી કેટલો ટેક્સ વસૂલવાની છે એની જાહેરાત માટે સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.
આ ઉપરાંત કેટલાક નીતિવિષયક નિર્ણયોની જાહેરાત તેમજ કેટલાક મહત્ત્વના આર્થિક કાર્યક્રમોની જાહેરાત પણ બજેટના ઉપક્રમે થાય છે જેનાથી સરકારની આર્થિક નીતિનો ઝોક શાના તરફ છે એનો અંદાજ આવે. વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ પહેલી ફેબ્રુઆરીએ જાહેર થશે એટલે આગોતરી ચર્ચામાં વર્તમાન ફુગાવો, બેરોજગારી, ઘટેલો વપરાશી ખર્ચ, ઉદ્યોગોનું ઘટેલું ઉત્પાદન, અમેરિકામાં બદલાયેલ રાજકીય નેતૃત્વની ભારત પર પડનાર અસર તેમજ ચાલી રહેલા યુધ્ધની અસરને પહોંચી વળવા ભારતે શું કરવું જોઈએ જેવા વિષયોની ચર્ચા અખબારોમાં દેખાય છે.
બજેટમાં ટૂંકા ગાળાના તેમજ લાંબા ગાળાના બંને પ્રકારના નીતિવિષયક પગલાંનો દિશાનિર્દેશ હોય છે. આજની તારીખે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિશ્વના મૂડીવાદે દિશા બદલી છે. વૈશ્વિકીકરણની જે પ્રક્રિયાએ રૂપ બદલવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા જેવા દેશો જે ૧૯૯૦ના દાયકામાં આયાત-નિકાસ પર કર નાબૂદીની હિમાયત કરતા હતા અને એ જ શરતે વિકાસશીલ દેશોને આર્થિક સંબંધ રાખતા હતા એ આજે પોતાના દેશના આર્થિક હિતમાં આયાત ઉપર ઊંચા કર લાદવાની વાત કરે છે. આજે ભલે સીધા નિશાના પર ચાઈના હોય, પણ તેમના રડારમાં એ દરેક દેશ હોવાનો જ્યાં ઉત્પાદનનો ખર્ચ ઓછો હોવાથી વૈશ્વિક રોકાણને આકર્ષે છે. કારણકે હવે આ દેશોને પ્રતિસ્પર્ધી તરીકે જોવાય છે.
ભારત હજુ વિકાસશીલ દેશ છે, જ્યાં ઘણી તકો હજુ વણખેડાયેલી છે. આપણે દેશની અંદર જ વિકાસની તકો શોધવી પડશે. એ માટે લાંબા ગાળાની આર્થિક નીતિ ઘડવી પડશે જે ભારતનાં નાગરિકોની ખરીદશક્તિમાં તેમજ ઉત્પાદનશક્તિમાં સુધારો લાવે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી ઉત્પાદનશક્તિ સુધારી જશે એ વાત હવે દંતકથા બની ગઈ છે. દાખલા તરીકે પાછલાં વર્ષોએ સાબિત કરી દીધું કે જ્યાં સુધી માંગ ઊભી નહિ થાય ત્યાં સુધી ઉત્પાદન વધશે નહિ. સરકાર તરફથી મળતા મોટા ભાગના લાભ ખાનગી નફાને વધાર્યા કરશે પણ લોકો સુધી એનો લાભ પહોંચશે નહિ. કોવીડ પછીની આર્થિક નીતિનો ઝોક પુરવઠાને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે.
ધારણા હતી કે પુરવઠો વધતાં રોજગાર વધશે, જે આવકને વધારશે અને પરિણામે માંગમાં વધારો કરશે. પણ એવું થયેલું દેખાતું નથી. કારણકે રોજગારમાં વધારો થયેલો દેખાતો નથી. જે નવો રોજગાર ઊભો થાય છે તેનો મોટો હિસ્સો અસંગઠિત ક્ષેત્રમાં થાય છે જ્યાં રોજગારની ગુણવત્તા ખૂબ નબળી છે – કામના લાંબા કલાકો પછી વળતર ઓછું છે, જે મોંઘવારી સાથે વધતું નથી. પેન્શન અને આરોગ્ય વિમા જેવી સામાજિક સુરક્ષાની જાહેર વ્યવસ્થાના અભાવે લોકોની ખાનગી બચત પર ભારણ વધી જાય છે. સારું શિક્ષણ પણ હવે ખાનગી સંસ્થાઓને આધારે છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે લગભગ દુર્લભ બની ગયું છે. પરિણામે માંગમાં જરૂરી વધારો નોંધાતો નથી, જે આર્થિક વૃદ્ધિને રોકે છે.
જ્યાં સુધી દરેક નાગરિકની ક્ષમતાને સુધારવા પર ધ્યાન નહિ આપીએ ત્યાં સુધી વિકાસ અવરોધાતો રહેશે. દરેક નાગરિકને ગુણવત્તાસભર અને સમાન શિક્ષણ, કૌશલ્ય વિકસાવવા માટે યથાયોગ્ય તાલીમ મળી રહે, તેમજ પરવડી શકે એવી આરોગ્યની સુવિધા મળે, એ દિશામાં લાંબા ગાળાનાં પગલાં લેવાં પડશે. શિક્ષણની વાત કરીએ તો માત્ર અક્ષરજ્ઞાન નહિ, પણ દરેક બાળક નિર્ણયાત્મક રીતે વિચારવાની ક્ષમતા વિકસે તેમજ તેમનામાં રહેલી સર્જનાત્મકતા ખીલે એ દિશામાં વ્યવસ્થા વિકસાવવી પડશે. આ હેતુ માટે વધુ બજેટમાં શિક્ષણ માટે ફંડની ફાળવણીની જરૂર છે. શિક્ષણ પરનો વર્તમાન જીડીપી ના આશરે ચાર ટકા જેટલો ખર્ચ નહિ ચાલે. કારણ કે, ખાનગી શાળાઓ પર નભતી વર્તમાન શિક્ષણ વ્યવસ્થા તો અસમાનતામાં વધારો કરે છે.
આ ઉપરાંત, વધેલી બેરોજગારી અને ઘટેલી ખરીદશક્તિને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં ટૂંકા ગાળાનાં પગલાં તરીકે મધ્યમ વર્ગના ખભા પરથી કરવેરાનું ભારણ થોડું ઘટે એ જોવું જરૂરી છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખાનગી વપરાશી ખર્ચનો હિસ્સો લગભગ ૬૦ ટકા જેટલો હોય છે. દેશમાં સૌથી વધારે ઉત્પાદન ખાનગી વપરાશ માટે જ થતું હોય છે, જે મુખ્યત્વે મધ્યમ વર્ગ દ્વારા ખરીદાય છે. એટલે જ્યારે ખાનગી વપરાશની ગતિ ધીમી પડે ત્યારે અર્થતંત્રમાં કશુંક ખોટકાયું હોવાનું જાણી લેવું. હાલમાં આર્થિક પ્રવૃત્તિની ગતિ થોડી વધારવા એ પણ જરૂરી છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.