SURAT

સુરતમાં 55 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 7 જ વર્ષમાં ખખડી ગયો, હવે કરોડોના ખર્ચે રિપેર કરાશે

સુરત : શહેરને બ્રિજ સિટી બનાવીને વિકાસના દાવા કરતા મનપાના તંત્રવાહકોની નજર નીચે કેવા વિકાસ કાર્યો થઇ રહ્યા છે તેની પોલ આજે મળેલી મનપાની સામાન્ય સભામાં માત્ર 7 વર્ષમાં ખખડી ગયેલા અણુવ્રત દ્વાર ફલાય ઓવરબ્રિજના રિપેરિંગ માટે સાત કરોડના ખર્ચનું ટેન્ડર અને પાંડેસરામાં 3 કરોડના ખર્ચે 12 વર્ષ પહેલા બનેલા કોમ્યુનિટી હોલને ઉતારી પાડવા માટેનું કામ આવતા ખુલી ગઇ હતી.

  • હજુ 2016માં જ બનેલા અણુવ્રત દ્વાર ફ્લાય ઓવર બ્રિજને રિપેર કરવાં હવે 7 કરોડનું આંધણ કરાશે
  • 3 કરોડનો પાંડેસરા કોમ્યુનિટી હોલ પણ 12 વર્ષમાં જર્જરિત, તોડીને નવો બનાવવા નિર્ણય

વિસ્તૃત વિગતો મુજબ, અણુવ્રત દ્વાર પર બીઆરટીએસ કોરીડોર માટે ફલાય ઓવરબ્રિજ 2016માં 55 કરોડના ખર્ચે બન્યો હતો. પરંતુ જ્યારે 2022માં મનપા દ્વારા દરેક બ્રિજના સ્ટ્રકચરની તપાસ કરી હેલ્થ કાર્ડ બનાવાયા ત્યારે આ બ્રિજ ખખડી ગયો હોવાથી રીપેરીંગ કરી મજબૂત બનાવવા જોગ હોવાનું બહાર આવતા આ બ્રિજ બનાવવામાં કેવો ભ્રષ્ટાચાર થયો હશે તેની શંકા ઉઠી હતી.

દરમિયાન બ્રિજના રીપેરીંગ માટે સાત કરોડનો ખર્ચ હોય ટેન્ડર મંગાવાયા હતા. આ ટેન્ડર આજે સામાન્ય સભામાં મંજૂરી માટે મુકાતા વિપક્ષી સભ્ય મહેશ અણઘડે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આ બ્રિજનું કામ કરનાર ઇજારદાર અને કન્સલ્ટન્સી એજન્સી મલ્ટી મીડિયા પ્રા.લી.ને જવાબદાર ગણી તેની સામે કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી.

ઉપરાત પાંડેસરાનો કોમ્યુનિટી હોલ પણ 12 વર્ષ પહેલા 3 કરોડના ખર્ચે બનાવાયો હતો. તે પણ જર્જરિત થઇ જતા રિપેરિંગ કરવા માટે 1.88 કરોડના ખર્ચનો અંદાજ નીકળ્યો હતો.

જો કે રીપેર કર્યા પછી પણ માત્ર પાંચ વર્ષ ચાલે તેવી સ્થિતી હોવાથી મનપાના તંત્ર વાહકો દ્વારા તેને ઉતારી પાડી ત્રણ કરોડના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ બનાવવાનું નકકી થયું હોવાથી વિપક્ષી સભ્ય વિપુલ સુહાગીયાએ આ મુદ્દે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય લોકો કોઇ કન્સલ્ટન્સી કે તજજ્ઞોના માર્ગદર્શન વગર ઘર બનાવે તેને પણ 50 વર્ષ સુધી કંઇ થતુ નથી. તો આ 12 વર્ષમાં કોમ્યુનિટી હોલ જર્જરિત થઇ જાય તેમાં શાસકો, અધિકારીઓ અને ઇજારદારોની મીલીભગતમાં ચાલતા ભ્રષ્ટાચારની શંકા ઉઠી રહી છે.

Most Popular

To Top