24 મી જુલાઇ 2025ના રોજ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અને આપણા વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) એટલે કે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 2022માં શરૂ થયેલા મુક્ત વેપાર કરારને લાંબી બેઠકો અને ત્રણ વર્ષની રાહ જોયા પછી આખરી ઓપ અપાયો. ભારત UK FTA– ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ બ્રેક્ઝિટ પછી UKનો સૌથી અગત્યનો વ્યાપારી કરાર ગણવામાં આવે છે અને ભારત માટે તે એશિયા બહારનો મોટો પહેલો મુક્ત વ્યાપાર કરાર છે.
અંગ્રેજો ભારત પર 200 વર્ષ રાજ કર્યું ત્યારથી ભારત અને અંગ્રેજો વચ્ચેના વ્યાપારી સંબંધોનો પાયો નખાયો હતો જો કે ત્યારે આપણે અંગ્રેજી શોષણનો જ ભોગ બનતા આવ્યા. જો કે સામ્રાજ્યવાદ હેઠળ દમનનો ભોગ બનેલા ભારત અને આજના ભારત વાસ્તવિકતાઓ વચ્ચે આસમાન જમીનનો ફેર છે. 18મી અને 19મી સદીમાં વૈશ્વિક ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 25 % જેટલો હતો જે 1900 સુધીમાં ઘટીને સાવ 2 % જેટલો થઇ ગયો હતો અને ઔદ્યોગિક ક્રાંતિમાં બ્રિટને આગે કૂચ કરી. સામ્રાજ્યાવાદી નીતિઓને પગલે ભારતનું બિનઔદ્યોગિકીકરણ તો થયું જ – ભારત પોતાની તાકાતનો ઉપયોગ પોતાને માટે ન કરી શક્યો બલ્કે રાજ કરનારા અંગ્રેજોને કારણે અંગ્રેજ ઉત્પાદકોને જ વિશેષાધિકારો મળ્યો, તેમણે આપણી હસ્તકલા અને કાપડના ઉદ્યોગોને દબાવી દીધા. આપણને સ્વતંત્રતા મળી અને આ વ્યાપારી સંબધોની સમીકરણો બદલાયા. અંગ્રેજ યુગની ટેરિફ નીતિઓ હેઠળ ભારત બ્રિટિશ માલ માટે કેપ્ટિવ માર્કેટ બન્યો પણ અહીં કાચબા – સસલાની વાર્તા જેવી સ્થિતિ ઊભી થઇ અને સમયાંતરે વૈશ્વિક અર્થતંત્રની રેસમાં ભારતે UKને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં છે. ઐતિહાસિક શક્તિ સંતુલનના ત્રાજવામાં વજનનો ખેલ સાવ પલટાઇ ગયો છે. એક સમયે અંગ્રેજોના સામ્રાજ્યવાદી શાસન હેઠળનો ભારત દેશ આજે એક નિર્ણાયક માર્કેટ બની ચૂક્યો છે અને હવે આ વૈશ્વિક બજારમાં પ્રવેશ મેળવવા માટે એક સમયના દમની અંગ્રેજો – એટલે કે UK રસ્તો શોધી રહ્યા છે. ઐતિહાસિક સંજોગોથી સાવ વિપરીત એવી આ સ્થિતિ નવા સમયની શરૂઆતનો સંકેત છે.
તાજેતરમાં જ થયેલા કરારના પ્રસ્તાવને સમજવાનો પ્રયાસ કરીએ તો UKમાં થતી 99 % ભારતીય નિકાસને ડ્યુટી ફ્રી કરાશે. વર્ષે અંદાજે 23 બિલિયન ડૉલર્સની નિકાસ થાય છે જેમાં કાપડ, વસ્ત્રો, ખેતીને લગતા ઉત્પાદનો, લેધર, હીરા-ઝવેરાત, એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને મસાલાનો સમાવેશ થાય છે. UKની નિકાસ જેમાં વ્હીસ્કી, જિન, ઑટો, ઇલેક્ટ્રોનિક્સ, કોસ્મેટિક્સ વગેરે પરની ડ્યુટી ઘટશે. ભારતીય આયાતો પરની જકાત 15 %થી ઘટીને 3 % થઇ જશે. બ્રિટિશ કાર્સ માટે ક્વોટા આધારિત ટેરિફ લાગુ કરાશે. ટૂંકમાં ભારતીય વ્યાપારો માટેનું બજાર બહોળું થશે અને UKના ઉત્પાદકો ભારતના વચગાળાના ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકશે. આ ઉપરાંત ભારતના કામચલાઉ કામદારોને UK નેશનલ ઇન્સ્યોરન્સમાંથી ત્રણ વર્ષની મુક્તિ અપાશે અને વિઝાની કામગીરી પણ સરળ કરાશે – જોકે UKના વિશ્લેષકોને એ વાતની ચિંતા છે કે આમ કરવાથી બ્રિટિશ કામદારોના વેતન અને રોજગારી પર દબાણ વધશે અને નેશનલ ઇન્સ્યોરન્સ અને પેન્શન ફંડમાં આવકનો ઘટાડો થઇ શકે છે. UKની સરકારનું માનવું છે કે આ નીતિઓને પગલે UKની અર્થવ્યવસ્થામાં ભારતીય ટેલેન્ટને ફાયદો થશે અને નેશનલ ઇન્સ્યોરન્સમાં જે ઘટાડો આવશે તેની ભરપાઇ અન્ય કરવેરા દ્વારા કરી શકાશે. આ કરારને પગલે UKની કંપનીઓને ભારત સરકારના ટેન્ડર્સ અને કોન્ટ્રાક્ટ્સમાં પ્રવેશવાનો માર્ગ મોકળો બનશે. આ ઉપરાંત બંન્ને દેશોએ AI, એરોસ્પેસ, ડેરી અને અન્ય ક્ષેત્રોમાં અંદાજે 6 અબજ પાઉન્ડના નિવેશ પર પણ સંમતિ જાહેર કરી છે. UK સરકારનો અંદાજ છે કે 2040 સુધીમાં UKની જીડીપીમાં 4.8 અબજ પાઉન્ડનો વધારો થઇ શકે છે જે વર્ષે 0.13 % જેટલો વધારો છે. 2040 સુધીમાં ભારત અને UK વચ્ચે વર્ષે 25-34 અબજ પાઉન્ડ જેટલો વ્યાપાર થઇ શકે છે. આ કરારને પગલે બંન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધો બદલાશે.
ભારતને થનારા ફાયદાની વાત કરીએ તો ખેતી લક્ષી બાબતો અને ઉત્પાદનની નિકાસ કરનારાઓને માટે ઝીરો ડ્યુટીની મોકળાશને પગલે આગામી ત્રણ વર્ષમાં ખેતી લક્ષી નિકાસમાં 20 % વધારો થઇ શકે તેમ છે. ભારતીય આઇટી, કાનૂની અને પ્રોફેશનલ સર્વિસીઝ UKમાં પ્રવેશી શકશે અને ત્યાં વસનારા ભારતીયોને પણ આ સેવાઓનો મજબૂત ટેકો મળશે. UKના ઉત્પાદનો ભારતમાં વધુ સ્પર્ધાત્મક ભાવે મળી શકશે, આ ઉત્પાદનોમાં ખાસ કરીને વ્હિસ્કી, કોમ્સેટિક્સ અને લગ્ઝરી ગુડ્ઝનો સમાવેશ થાય છે. બ્રેક્ઝિટ પછી UK ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાના વ્યાપારનું વિસ્તરણ કરવા ધારે છે તે આ પરથી સિદ્ધ થાય છે.
આખી પરિસ્થિતિને રાજકીય દૃષ્ટિકોણથી જાણીએ તો સ્પષ્ટ થાય છે કે ભારતને હવે હળવાશથી લેવામાં નથી આવી રહ્યો. વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં ભારત એક ગ્રોથએન્જિન છે તો બ્રિટનનું પ્રભુત્વ ઘટ્યું છે. FTAને આખરી અંજામ આપતા પણ ત્રણ વર્ષ થયા જેને પગલે બ્રિટનની ભૂમિકા સક્રિય ભાગીદારી કરતાં પ્રતિસાદ આપનારી હોય એવી છબી ખડી થાય છે. UKના વિશ્લેષકોને લાગે છે કે સ્ટાર્મર સરકારે ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓને વધુ મહત્ત્વ આપ્યું. યુરોપ સાથે ભારતના વ્યાપારી સંબંધો UK સાથેના સંબંધો કરતા ઘણાં વધારે છે અને માટે જ જો UK અને યુરોપ એકબીજા સાથે સંબંધો નહીં સુધારે તો આ વ્યાપારી કૂટનીતિ માત્ર અખાબરી મથાળાં પુરતી જ રહેશે અને તેનો કોઈ નક્કર લાભ UKને નહીં થાય.
એક સમયે ભારત અને UK વચ્ચેના સંબંધો શાસક અને ગુલામના હતા અને આજે એક સાવચેતીભર્યું જોડાણ બન્યા છે. ભારત મજબૂત ભાગીદાર બની રહ્યો છે અને બ્રિટનને સામે નવા વ્યૂહાત્મક સંબંધો મળે છે.
જે બ્રિટને ભારતને એક સમયે દમન કરીને ભારતને બેફામ લૂંટ્યો છે એ જ બ્રિટન હવે ભારત પાસેથી આર્થિક લાભ મળે અને તેમનું અર્થતંત્ર સચવાય એવા કરારો કરી રહ્યો છે. આ નવું એગ્રીમેન્ટ સાબિત કરે છે કે બ્રિટનની વ્યાપારી સ્પર્ધાત્મકતા ઘટી છે, બ્રિટનનાં પગલાં અનિશ્ચિત છે, અતિશય આત્મવિશ્વાસ નથી અને તે ભૂલ ન કરી બેસે એ રીતે પગલાં ભરે છે. ઑટો, ફાર્મા અને કાર્બન પૉલિસી જેવા ક્ષેત્રોમાં ભવિષ્યને મામલે બ્રિટન પાસે કોઈ નક્કર જવાબ નથી, અહીં બ્રિટને વહેણ સાથે વહેવાર બદલવાનો આવશે.
