મુંબઈ(Mumbai): વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે સપ્તાહના પહેલાં ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે તા. 11 માર્ચના રોજ સ્થાનિક શેરબજારમાં (ShareBazar) મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ (Sensex) 100થી વધુ પોઈન્ટ તૂટ્યો છે તો બીજી તરફ નિફ્ટીમાં (Nifty) 21 પોઈન્ટનો મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે સવારે બીએસઈનો (BSE) 30 શેરનો સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ સેન્સેક્સ 102.80 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 74,016.59 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટીમાં 21.20 પોઈન્ટ એટલે કે 0.09 ટકાનો મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 22,472.35 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
જોકે, શરૂઆતના સોદામાં S&P BSE સેન્સેક્સ 15 પોઈન્ટ અથવા 0.02 ટકા વધીને 74,134 પર પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટીએ 10 પોઈન્ટ અથવા 0.04 ટકાના ઉછાળા સાથે 22,503 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું. પરંતુ બજાર લાભ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો હતો. ઘટાડા વચ્ચે પણ કેટલાંક શેરોએ સારું પ્રદર્શન કર્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, આઇટીસી અને એશિયન પેઇન્ટ્સમાં વધારો જોવા મળી રહ્યો છે.
FPIએ માર્ચમાં શેરબજારમાં રૂ. 6,100 કરોડનું રોકાણ કર્યું હતું
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂ. 6,139 કરોડનું રોકાણ કર્યું છે. મજબૂત આર્થિક વૃદ્ધિ, બજારની મજબૂતાઈ અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાને કારણે FPIsમાં ભારતીય શેરો આકર્ષક રહે છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, અગાઉ ફેબ્રુઆરીમાં તેણે શેર્સમાં રૂ. 1,539 કરોડનું રોકાણ કર્યું હતું. જાન્યુઆરીમાં તેણે રૂ. 25,743 કરોડના શેર વેચ્યા હતા.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારનું વર્તન કેવું હતું?
ભારતીય શેરબજાર ગુરુવારે (7 માર્ચ) તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, જેણે સતત બીજા દિવસે રેકોર્ડ બનાવ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન, BSE સેન્સેક્સ સતત બીજા દિવસે 74 હજારની સપાટીને વટાવીને 74,245.17ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50 એ પણ રેકોર્ડ તોડ્યો હતો અને ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 22,525.65ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
જો કે, પાછળથી સેન્સેક્સ અને નિફ્ટી બંનેના ઉછાળામાં થોડો ઘટાડો થયો હતો પરંતુ ગુરુવારે પણ તેમના શેર ઓલ ટાઈમ હાઈ પર બંધ થયા હતા. ગુરુવારે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ (સેન્સેક્સ ટુડે) 74,242.74 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન 73,921.48 પોઈન્ટની નીચી સપાટીએ ગયો હતો. અંતે, સેન્સેક્સ 0.05 ટકા અથવા 33.40 પોઇન્ટના વધારા સાથે 74,119.39 પર બંધ થયો.