ગુજરાતમાં ભલે દારૂબંધી છે પણ બુટેલગરો એટલા ભેજાબાજ છે કે તેવો દારૂની હેરફેર અને વેચાણ માટે અવનવા રસ્તા અજમાવતા હોય છે. દારૂબંધી વચ્ચે પણ શહેરમાં દારૂની હેરફેર અને વેચાણ અટકતું નથી. ત્યારે હવે એક એવી ઘટના સામે આવી છે જેમાં દારૂની હેરફેર કરવા માટે બુટલેગરે જે તરકીબ અજમાવી હતી તે કદાચ પોલીસે વિચાર્યું પણ નહીં હોય.
બુટલેગરો દ્વારા હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજનના બાટલાઓની આડમાં દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી. જોકે ઇચ્છાપોર પોલીસે દારૂ સહીત મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલા સહીત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત શહેરના ઇચ્છાપોર ગામ ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઉભો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જયારે ટેમ્પાની અંદર ચેકીંગ કરી ત્યારે એક ક્ષણ માટે પોલીસ પણ ચોંકી ગઈ હતી અને બુટલેગરોના કારનામાઓ અંગે વિચારતી થઇ ગઈ હતી.
કારણ કે ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર ગોઠવવામાં આવ્યા હતા. સિલિન્ડરની આડમાં છૂપાવેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પાની તપાસ કરતા સિલિન્ડરની આડમાંથી 1512 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બીયરના ટીન મળી કિંમત રૂપિયા 1,55,232 નો માલ મળી આવ્યો હતો.
પોલીસે આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 16,60,232 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલ (રહે-ડિંડોલી )ને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક સામેલ હોવાથી આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.