કોરોનાના કેસથી માંડ રાહત મળવાની શરૂઆત થઈ હતી ત્યાં હવે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે વિશ્વને ધમરોળવા માંડ્યું છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસની સંખ્યા વધવા માંડીછે. ભારતમાં જે રીતે કોરોનાના કેસ લાખોમાં આવ્યા હતા તેવી જ રીતે ઓમિક્રોન વેરિએન્ટના કોરોનાના કેસ પણ લાખોમાં આવે તેવી સંભાવના છે. જોકે, હાલમાં જ ઓક્સફર્ડ યુનિ. દ્વારા એક સંશોધન કરાયું છે. જો સંશોધન સાચું હોય તો ભારતનો ઓમિક્રોન વેરિએન્ટમાંથી ઉગારો થઈ શકે છે. જોકે, એના માટે સરકારની પ્રતિબદ્ધતા જરૂરી છે. ઓક્સફર્ડ યુનિ. દ્વારા એવું સંશોધન કરવામાં આવ્યું છે કે અસ્ટ્રાજેનેકા વેક્સિનના બુસ્ટર ડોઝથી ઓમિક્રોન સામે રક્ષણ મળે છે. આ બુસ્ટર ડોઝથી ઉચ્ચસ્તરની એન્ટિબોડી બને છે. ભારતમાં જે રસીને કોવિશિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે તે અસ્ટ્રાજેનેકા વેક્સિન છે. ભારતમાં 90 ટકા લોકોને કોવિશિલ્ડ વેક્સિન જ લગાડવામાં આવી રહી છે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે હજુ સુધી દેશમાં તમામ લોકોને આ વેક્સિનના બે ડોઝ લાગી શક્યા નથી ત્યારે બુસ્ટર ડોઝ કેવી રીતે લાગશે?
ઓક્સફર્ડ યુનિ. દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું છે તેને બ્રિટીશ ફાર્માના માંધાતા અસ્ટ્રાજેનેકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અસ્ટ્રાજેનેકા વેક્સિનને ઓક્સફર્ડ યુનિ. અને અસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં આ વેક્સિનને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે. આ સંશોધન માટે ઓક્સફર્ડ યુનિ. દ્વારા જેણે બે ડોઝ બાદ બુસ્ટર ડોઝ લીધો હતો તેવા 41 લોકોના લોહીના નમુના લઈને એનાલીસિસ કર્યું હતું. આ એનાલીસિસના જે પરિણામો આવ્યા તેની સરખામણી એવા લોકોના લોહીના નમુના સાથે કરવામાં આવી કે જે કોરોનાના આલ્ફા, ડેલ્ટા સહિતના વેરિએન્ટ વાયરસથી સંક્રમિત થઈને સાજા થયા હતા અને જેનામાં કુદરતી રીતે એન્ટિબોડી બની હતી. આ સરખામણીમાં એવી વિગતો બહાર આવી કે જેઓ કોરોનાથી સાજા થયા અને તેમની એન્ટિબોડી હતી તેના કરતાં બુસ્ટર ડોઝ લેનારાઓમાં મજબૂત એન્ટિબોડી હતી. એટલે કે ઓમિક્રોન વેરિએન્ટ સામે લડી શકાય તેટલી આ એન્ટિબોડી હતી.આ સંશોધન અંગે અસ્ટ્રાજેનેકા બાયોફાર્મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ મીન પેંગલોસે એવી ભલામણ કરી હતી કે, ઓમિક્રોન સામે લડવા માટે વેક્સિનના બુસ્ટર ડોઝ લાગવા જોઈએ. દુનિયાના 80 ટકા દેશોમાં બુસ્ટર ડોઝ લગાડવાનું શરૂ થઈ ગયું છે. ઈઝરાયલમાં તો ચોથા ડોઝ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, ભારત માટે સમસ્યા એ છે કે ભારતમાં અનેક લોકો દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લેવામાં આવ્યો નથી. લાખોની સંખ્યામાં એવા લોકો પણ છે કે જેણે પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લીધો નથી. આ સંજોગોમાં બુસ્ટર ડોઝ માટે લોકોને તૈયાર કરવા ઘણા મુશ્કેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઓમિક્રોન વેરિએન્ટ સામે લડવા માટે લોકોને વેક્સિનના બંને ડોઝ આપવાની સાથે બુસ્ટર ડોઝ માટે પણ તૈયારીઓ કરી દેવાની જરૂરીયાત છે.
સરકાર એવું પણ કરી શકે છે કે બુસ્ટર ડોઝ માટે ખાનગી હોસ્પિ. અને દવાખાનાને પણ મંજૂરી આપી શકે. જેથી જેને બુસ્ટર ડોઝ લેવો હોય તો તે બુસ્ટર ડોઝ લઈ શકે. ભારતમાં ઓમિક્રોનના એટલા પ્રમાણમાં કેસ હજુ સુધી નોંધાયા નથી ત્યારે ભારત સરકાર માટે સમય છે કે તે ઝડપથી વેક્સિનના બુસ્ટર ડોઝ માટે તૈયારી કરે. વેક્સિનના બંને ડોઝ લેવાની સાથે બુસ્ટર ડોઝ પણ ફરજિયાત કરે અને તેના માટે પ્રતિબંધો જાહેર કરે. જો આમ થશે તો જ ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટને કાબુમાં લઈ શકાશે તે નક્કી છે.