નવી દિલ્હી(NewDelhi): આજે શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર પાર્ક એક ડોમેસ્ટીક ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાની ધમકી (Threat) મળતા અફરાતફરી મચી ગઈ છે. પેસેન્જરો (Passangers) અને સામાનને વિમાનમાંથી (Plane) નીચે ઉતારી લઈ બોમ્બ સ્કવોડ દ્વારા પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જીએમઆર કોલ સેન્ટર (GMR Call Center) પર ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. ધમકી મળ્યા બાદ તરત જ દિલ્હી એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પછી વિસ્તારાની ફ્લાઈટને આઈસોલેશનમાં લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. વિમાનમાંથી પેસેન્જરોને ઉતારી લેવાની કાર્યવાહી કરાઈ હતી. ત્યાર બાદ બોમ્બ સ્કવોડની મદદથી વિમાનમાં બોમ્બ શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી.
વિસ્તારાના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે, આજે 18 ઓગસ્ટ 2023ની સવારે દિલ્હીથી પૂણેની ઉડાન યુકે 971 ફ્લાઈટને અનિવાર્ય સંજોગોના લીધે સુરક્ષાના કારણોસર રોકવામાં આવી હતી. સુરક્ષા તપાસ માટે ફ્લાઈટના ટેકઓફમાં સ્થગિત કરાયું હતું. અમે હાલમાં સુરક્ષા એજન્સીઓની સૂચનાઓનું પાલન કરી તેમને સહયોગ કરી રહ્યાં છે. આ સાથે જ અમે પેસેન્જર્સને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિસ્તારા ગ્રાહકો અને ક્રુની સુરક્ષા માટે કટિબદ્ધ છે.