SURAT

હજીરાના દરિયામાં 10 લોકો સાથે બોટ ડૂબી, 8ને બચાવી લેવાયા, 2 હજુ ગૂમ

સુરત: સુરતના (Surat) હજીરા પોર્ટ (Hazira Port) પર એક બોટ ડૂબી હોવાની માહિતી મળી છે. આ બોટમાં 10 લોકો સવાર હતા. તે પૈકી 8 લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ 2 જણા હજુ પણ ગૂમ છે. પ્રાઈવેટ બોટ ડૂબી જવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થઈ નહોતી. છેક સવારે જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે રવાના થયો હતો. હાલ રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે. રાત્રિના સમય દરમિયાન અન્ય બોટવાળાઓ દ્વારા રેસ્કયૂ કરાયું હતું અને 8 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે 2 જણા ગુમ છે.

ખાનગી બોટવાળા દ્વારા અંદાજે 10 કલાક સુધી રેસ્કયૂ ઓપરેશન ચાલ્યું હોવાની માહિતી મળી છે. બોટના કૂક અને ટગના ડ્રાઇવર હજી પણ ગુમ છે. તેમના નામ ગૌતમ મંડલ અને આશિષ દાસ હોવાનું જાણવા મળ્યું છે. તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. કહેવાય છે કે આ બોટનો ઉપયોગ ઘોઘા બંદર પર રો-રો ફેરી સર્વિસ તેને પાર્ક કરવા માટે એટલે કે ખેંચવા માટે આ બોટનો ઉપયોગ કરતા હતા. પરંતુ આ બોટમાં ખામી સર્જાતા ઘટના બની હતી.

હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લી.ના પ્રમુખ દિપકભાઇ ડી પટેલે કહ્યું કે, હજીરા ખાતે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ સંચાલિત જેટ્ટી થી દરિયામાં જતી શિપ ખેંચી જતી ટગ બોટ ડૂબી જતાં 2 કર્મચારીઓ લાપતા અને અન્ય 8 બચાવી લેવાયા છે. ગઈ કાલે શુક્રવારે રાત્રે 9-00 કલાકે હજીરા ની ચેનલ માં એમટી નવાઝ નામની ટગ વોયેજ સિમ્ફની શિપને ધક્કો મારી દરિયામાં લઈ જતી હતી તે વેળા અકસ્માત સર્જાયો હતો. ટગ પર રહેલા 10 કર્મચારીઓ ટગ સાથે ચેનલ માં ડૂબી ગયા હતા. જેમાં બચાવ કામગીરી રાત્રે હાથ ધરવામાં આવી હતી અને 8 નાવિકોને બચાવી લેવામાં આવ્યા હતી. આ ટગ થી થયેલા અકસ્માતની ફરિયાદ જીએમબીમાં કરવામાં આવી છે. અને તેના થકી થયેલા ડીઝલ પ્રદૂષણને રોકવા બાબતે કાંઠા વિસ્તાર ઔદ્યોગિક પ્રદૂષણ નિવારણ સમિતિ તેમજ હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી એ રજૂઆત કરી માંગ સરકારમાં કરી છે.

Most Popular

To Top