SURAT

બોલો, સુરત પાલિકાના અધિકારીઓથી ભાજપના કોર્પોરેટર ત્રાસી ગયા, કમિશનરને કરી આવી ફરિયાદ

સુરતઃ ત્રણ દાયકાથી સુરત મહાનગર પાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ આજે એવી સ્થિતિ છે કે પ્રજા દ્વારા ચૂંટાયેલા ભાજપના જ પ્રતિનિધિ કોર્પોરેટરોનું કશું ઉપજી રહ્યું નથી. સુરત પાલિકાના અધિકારીઓ એટલા ભ્રષ્ટ થઈ ગયા છે કે તેઓ ચૂંટાયેલા રાજનેતાઓને પણ ગાંઠતા નથી. કતારગામ ઝોનના ભ્રષ્ટ્ર અધિકારીઓથી ભાજપના કોર્પોરેટર એટલા ત્રાસી ગયા કે આજે મ્યુનિસિપલ કમિશનરને પુરાવા સાથે ફરિયાદ કરવા પહોંચી ગયા હતા.

  • કતારગામ ઝોનના ભ્રષ્ટ્ર અધિકારીઓ વિરુદ્ધ પુરાવા સાથે પાલિકા કમિશનરને કરી ફરિયાદ
  • ગેરકાયદે બાંધકામ કરાવતા ભ્રષ્ટ્રાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવા કરી માંગણી
  • કોઈ કાર્યવાહી નહીં થાય તો એસીબીમાં કમ્પેલઈન કરવાની આપી ચીમકી

આજે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પાસે પહોંચ્યા હતા. અનેકોવાર રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થતી હોય નરેન્દ્ર પાંડવે મ્યુનિસિપલ કમિશનરને અધિકારીઓ કાળાં કામોના પુરાવા બતાવ્યા હતા. આ સાથે નરેન્દ્ર પાંડવે કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલને પૂરાવા સાથે ફરિયાદ કરતાં કહ્યું હતું કે, કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવે છે. આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે. આ સાથે જ પાંડવે ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો પોતે એન્ટી કરપ્શન બ્યુરોમાં ભ્રષ્ટ્રાચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કહ્યું કે, અધિકારીઓની મિલીભગતને કારણે બેરોકટોક કામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સમક્ષ રજૂઆત કરીને અધિકારીઓ કેવી રીતે ખેલ કરી રહ્યા છે? તે અંગે સ્પષ્ટતા કરી છે. મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામ ચાલવાના હોય તો પછી શા માટે તમામ લોકોના પ્લાન પાસ કરવા? બધાને છૂટ આપી દો. અધિકારીઓ જ જ્યારે આ પ્રકારે કાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોય તો તમામ લોકોને એકસરખો ન્યાય આપો.

Most Popular

To Top