Business

એક ‘બિલ્વમ’ શિવાર્પણમ્

આજના શુભ સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ… શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનું પર્વ, શ્રાવણ માસ એટલે તહેવારોની શૃંખલાનું પર્વ… સનાતનીઓના વિવિધ સંપ્રદાયોના લાગલગાટ અનેક અનન્ય તહેવારો શ્રાવણ માસ દરમ્યાન આવશે-ઉજવાશે. પરિવારના પ્રત્યેક સદસ્યોને પ્રિય રહેશે શ્રાવણ માસ. પિતાજી રોજ લોટો જળ શિવાલયે ચઢાવશે તો માતુશ્રી અને ઘરની સ્ત્રીઓ જુદાં જુદાં વ્રતો દ્વારા ઈશ્વરની ઉપાસનામાં જોડાશે તો બાળકો તો રક્ષાબંધન અને સાતમ-આઠમના ઉત્સવ-પર્વની રાહ જોઈને બેઠાં હશે કારણ કે નવાં વસ્ત્રો અને જુદી જુદી મિઠાઈઓ સાથે મેળામાં રંગબેરંગી રમકડાં મળવાનાં હશે.

વિશેષ કરીને શ્રાવણમાસમાં શિવપૂજનનું અધિકાધિક મહત્ત્વ રહેલું છે. બિલ્વપત્ર અને એક લોટી જળથી પ્રસન્ન રહેતા ભોળા શંભુ કૈલાસપતિ, દેવાધિદેવ મહાદેવની કૃપા મેળવવા સાધકોમાં શિવઉપાસનાનો ભક્તિ-જુવાળ ઉમટશે. શિવ પૂજા બહુ સરળ છે અને વિધિ-વિધાન કે મંત્રો ઇત્યાદિ નહિ જાણનાર શિવભક્ત માત્ર પંચાક્ષર સ્તોત્ર ૐ નમ: શિવાયથી બિલ્વપત્ર અને એક લોટી જળ ચઢાવી શિવ આરાધના કરી શકે છે. બિલ્વપત્રનો મહિમા શિવપૂજામાં મહત્ત્વપૂર્ણ દર્શાવાયો છે. બિલ્વપત્રનું મહત્ત્વ જાણવાનો અહીં પ્રયાસ છે.

બિલ્વવૃક્ષની ઉત્પત્તિ વિશે પૌરાણિક બે-ત્રણ કથાઓ મળે છે. એક વાર પાર્વતીજીના ભાલ પર પ્રસ્વેદ થતાં તેમણે આંગળીથી લૂંછીને પ્રસ્વેદ બિંદુને ધરતી પર છાંટયું અને એ સ્થળે સમય જતાં એક વૃક્ષ પ્રાંગર્યું. પાર્વતીજીએ તેની સખી જયાને પૂછયું કે આ વૃક્ષ અહીં કઇ રીતે પ્રાંગર્યું છે? ત્યારે જયાએ કહ્યું કે એ આપના પ્રસ્વેદ બિંદુથી પ્રગટ થયેલું પવિત્ર વૃક્ષ છે. એ વાત જાણીને શિવજી પણ પ્રસન્ન થયા અને બિલ્વવૃક્ષ નામ આપી કહ્યું કે આ પવિત્ર વૃક્ષના બિલ્વપત્ર દ્વારા જે પણ મારું પૂજન કરશે તેનાથી હું પ્રસન્ન રહીશ. અન્ય એક કથા એવી પણ છે કે લક્ષ્મીજીએ વિષ્ણુને પામવા તપશ્ચર્યા કરી હતી અને વિષ્ણુ ભગવાને વિશ્વ કલ્યાણ માટે શિવલિંગની પૂજા કરી હતી ત્યારે લક્ષ્મીજીની હથેળીમાં બિલ્વવૃક્ષ ઊગી નીકળેલુ એટલે આ દેવવૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વપત્રમાં લક્ષ્મીજીનો વાસ હોવાની પૌરાણિક વાતો છે.

બિલ્વપત્ર ત્રણ પાનનું બનેલું એક પાન છે. શિવજીને પ્યારાં બિલ્વપત્રના ત્રણ પાનને શિવજીના પ્રતીક સાથે સરખાવ્યાં છે. સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રોનું સૂચક છે. તો શિવજીના ત્રિશૂળનો નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્કયના મતાનુસાર બિલ્વપત્ર દ્વારા સરળતા, સહજતા અને શુદ્ધતાપૂર્વક એકાગ્રચિત્તે શિવપુજા કરવામાં આવે તો મનોવાંછિત ફળ પ્રાપ્તિ અવશ્ય થાય છે. બિલ્વપત્ર કયારેક પાંચ પાનનાં કે સાત પાનનાં પણ જોવા મળે છે જે દુર્લભ હોય છે. જો પાંચ કે સાત પાનનું બિલ્વપત્ર મળે તો તેને શિવલિંગ પર ચઢાવી પરત લઇને ફ્રેમિંગ કરાવી ઘરમાં ઉત્તર-દક્ષિણ દિશાએ રાખવું જેથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી. ઉપરાંત અગાઉ જણાવ્યું તેમ બિલ્વપત્ર લક્ષ્મીજીનું રૂપ હોવાથી ઘરમાં યોગ્ય સ્થાને રાખવાથી ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે.

બિલ્વપત્રના વૃક્ષમાં મહાદેવજીનો વાસ હોવાનું કહેવાય છે તો વૃક્ષનાં મૂળમાં પાર્વતીજીનું સ્થાન છે. બિલ્વવૃક્ષના ફળ જે બિલા કે બિલ્વા તરીકે ઓળખાય છે તેમાં કાત્યાયનીનું સ્થાન છે. બિલ્વવૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે એટલે જાણી જોઈને નહીં પણ બિલ્વપત્ર ચૂંટતી વખતે અનાયાસે કાંટા લાગી જાય તો સદ્દભાગ્ય સમજવું. બિલ્વપત્ર અંગે ખાસ કહેવાય છે કે જો પૂજા દરમ્યાન નવા બિલ્વપત્ર ઉપલબ્ધ ના હોય તો શિવજીને ચઢાવેલા બિલ્વપત્ર શુદ્ધ પાણીથી ધોઈને ફરી ઉપયોગમાં લઇ શકાય. હંમેશ આગલા દિવસે કે બે-ચાર દિવસ પહેલાં ચૂંટેલાં બિલ્વપત્ર પૂજામાં ઉપયોગમાં લેવા જોઇએ. ખંડિત થયેલાં, તૂટેલાં, ખરાબ થઇ ગયેલાં કે કાણાંવાળાં બિલ્વપત્ર કયારેય પૂજા અર્થે ના લેવા.

બિલ્વવૃક્ષ એ પવિત્ર વૃક્ષ છે. જો તમારું આંગણું, ફળિયું મોટું હોય તો બિલ્વવૃક્ષને વાવો, ઉછેરો તો બહુ પુણ્યનું કામ છે. બિલ્વવૃક્ષના થડ-મૂળને રોજ લોટો જળ ચઢાવવાથી શિવપૂજાનું ફળ મળે છે. શિવપૂજામાં ઉપયોગી બિલ્વપત્રના વૃક્ષ જે આંગણામાં હોય છે તે જગ્યા તીર્થ સમાન છે. આ વૃક્ષની આજુબાજુ ઝેરી જીવજંતુ આવતા નથી. કોઇની નનામી આ વૃક્ષ નીચેથી પસાર થાય તો મૃત્યુ પામનાર પરમ મોક્ષગતિને પામે છે. બિલ્વવૃક્ષની માવજત કરવાથી અને નિયમિત જળ ચઢાવવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.

બિલ્વપત્ર માટે એવું કહેવાય છે કે પૌરાણિક કથાનુસાર 89 હજાર ઋષિઓએ મહાદેવને પ્રસન્ન કરવા માટેની વિધિ પરમ પિતા બ્રહ્માજીને પૂછી તો પ્રત્યુત્તરમાં બ્રહ્માજીએ જણાવ્યું કે શિવજીની આરાધના સરળ છે. બિલ્વપત્રથી પણ પ્રસન્ન રહે છે અને મહાદેવજીને સો કમળ ચઢાવો તેનું પુણ્ય એક નીલકમલ ચઢાવવાથી મળે છે અને એક હજાર નીલકમલ બરાબર એક બિલ્વપત્ર છે તેથી એક બિલ્વપત્ર ચઢાવવાથી એક હજાર નીલકમલ ચઢાવ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં બિલ્વપત્રનો ઉપયોગ વધી જાય છે તો તમારે તમારી પૂજાની જરૂરિયાત કરતાં વધારે બિલ્વપત્ર સાથે રાખવા અને જો કોઇ પૂજા કરનાર વ્યક્તિને સંજોગોવશાત બિલ્વપત્ર ના મળી શકયાં હોય તો તેને બિલ્વપત્ર આપજો. બિલ્વપત્રના દાનપુણ્યનું મહત્ત્વ ઘણું જ જણાવાયું છે.

બિલ્વપત્ર વૃક્ષ પવિત્ર અને પૌરાણિક સમયથી અસ્તિત્વ ધરાવે છે. વેદપુરાણોમાં અનેક પ્રકારે ઉલ્લેખ જોવા મળે છે. દેવભાષા સંસ્કૃતમાં અનેક નામોનો ઉલ્લેખ છે. બિલ્વ, શાણ્ડિલ્ય, શૈલૂષ, માલૂર, શ્રીફળ, કણ્ટકી, સદાફલ, મહાકપિત્થ, ગ્રન્થિલ, ગોહરીતકી, માંગલ્ય, ત્રિશિષ, અતિમાંગલ્ય, મહાફલ, હૃદ્યગન્ધ, શૌલ્ય, શૈલ્કે પત્તે, પત્તેશ્રેષ્ઠ, ત્રિ કે પતે, લક્ષ્મીફૂલ, સમીરસાર, સત્યધર્મ, સિતાનન, નીલમલ્લિક, પીતફલ સોમહરીતકી સત્યકર્મ અને વાતસાર જેવાં અનેક નામો વેદ-પુરાણમાં જોવા મળે છે. અન્ય ભાષાઓમાં જોઇએ તો હિન્દી ઉર્દૂ, આસામીસ, કોંકણી, બંગાલી, નેપાલીમાં આ બિલ્વપત્રવૃક્ષ બેલવૃક્ષ તરીકે જ ઓળખાય છે તો તેલુગુમાં મારેડુ, બિલ્વપંડુ, તામિલમાં બિલ્વપઝમ, મરાઠીમાં બેલ, બીલી કે બોલોવૃક્ષથી જાણીતું છે. મલયાલમમાં કુવલપપઝમ, અરેબિકમાં સફરજલે હિંદી વૃક્ષ, પર્સીયનમાં બેહ, બલ અને શુકલવૃક્ષ તથા ઇંગ્લીશમાં બેલટ્રી અને ઇન્ડિયન બેલ તરીકે ઓળખાતા આ વૃક્ષને ગુજરાતીમાં તો બીલીવૃક્ષ જ કહેવાય છે.

ધાર્મિક રીતે પવિત્ર ગણાતા આ વૃક્ષનાં પાન, ફૂલ અને ફળ આપણા જીવનમાં અનંતસ્વરૂપે આરોગ્યલક્ષી ઉપકારક છે. તેનું ફળ ઉપરથી કઠોર છાલવાળું પણ અંદરથી નરમ હોય છે. આ ફળમાં બીટા કેરાટીન, પ્રોટિન, રીબોફલેવિન જેવા ભરપૂર પોષક તત્ત્વોનો પાવર પંચ છે. ઉપરાંત વિટામિન-સી, વિટામિન બી-1 અને બી-2, થિયામિન, નિયાસિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર અને મિનરલ્સ ઉત્તમ માત્રામાં મળે છે. માત્ર એટલું જ નહિ આ ફળ એન્ટી ઓક્સિડન્ટ તથા એન્ટી ઇન્ફલેમેટ્રીના ગુણોના કારણે તેની ઔષધીય ગુણવત્તા એટલી શ્રેષ્ઠ મનાય છે કે અનેક રીતે આરોગ્યલક્ષી ઉપકારક છે. નિષ્ણાતોની સૂચનાનુસાર ઉપયોગ કરાય તો શરીરના ટ્રાઈગ્લિસરાઈઝડ, સીરમ અને લિપિડ પ્રોફાઈલને નિયંત્રિત કરી કોલેસ્ટ્રોલ કંટ્રોલનું કામ કરે છે. હૃદયની માંસપેશીઓને મજબૂત કરે છે એટલે હાર્ટ બ્લોક કે હાર્ટએટેક જેવી તકલીફોથી બચાવે છે. એન્ટી બેકટેરિયલ ગુણોને કારણે સ્કીન એલર્જી કે સ્કીન ડિસઓર્ડર જેવી તકલીફોથી ત્વચાનું રક્ષણ થાય છે. ઓછું સંાભળવું કે કાનનાં દર્દો માટે આ ફળનું સેવન ઉત્તમ મનાય છે.

ડાયાબિટિસમાં આ ફળના ફેરોનિયા ગમ નામના ગુણ શુગરને કંટ્રોલમાં રાખે છે. આ ફળમાં પોટેશિયમની ઉચ્ચ માત્રા હોવાથી લોહીની શુુદ્ધિ થાય છે જે હાર્ટ, લિવર અને કિડનીની સમસ્યા માટે ઉપકારક છે. પાચન અને કબજિયાત માટે આ બિલા ફળ ઉત્તમ ગણાય છે તો તેની સામે ઝાડા થઇ ગયા હોય તો પણ બિલાનો પાવડર સાકરવાળા દહીં સાથે લેવાથી તુરંત રાહત થાય છે. બિલા ફળ બિલિપત્ર અને વૃક્ષની ડાળી તથા ફૂલોના આયુર્વેદમાં એટલા બધા ગુણ દર્શાવ્યા છે કે જેનો એક આખો વિશેષ લેખ વિગતે લખી શકાય સ્થળસંકોચને કારણે બિલિપત્ર, બિલિવૃક્ષ અને બિલાફળનો સંક્ષિપ્ત લેખ આશા છે કે ઉપયોગી થશે… અસ્તુ…

Most Popular

To Top