SURAT

વરાછાની ઘટનાઃ સામાન્ય ટક્કર લાગતા બાઈક ચાલકે કાર પર ચડી તોફાન મચાવ્યું, માતા-પુત્ર પર હુમલો કર્યો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પોલીસનો પડકાર ફેંકતા હોય તે રીતે જાહેરમાં કાર ચાલક દ્વારા બાઈકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઇ હતી. ત્યારબાદ બાઈકચાલક દ્વારા તેમના મળતીયાઓને બોલાવવામાં આવ્યા હતા.

કારમાં સવાર માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અંગેની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

વરાછા વિસ્તારમાં જ રહેતા એક પરિવારના માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કારચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી. જેને લઇને ઉશ્કેરાઈ ગયેલા બાઈકચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી.

ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. રોડ પર જ આ તમામ દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન બાઇકચાલકે તેના મળતીયાઓને બોલાવી લેતા 8થી 10 જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો. આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી.

કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા. રોડ પર જ તોડફોડ અને મહિલાને માર મારવાના દૃશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે જાણ થતા વરાછા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. વરાછા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

દરમિયાન કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી. જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે સામાન્ય બાબતોમાં થયેલી આ બબાલમાં થોડા સમય માટે વાતાવરણ ઊગ્ર બની ગયું હતું.

Most Popular

To Top