SURAT

સ્માર્ટ સિટીમાં બધું પોલમપોલ, ભટારના ફલાય ઓવર બ્રિજ પર મોટું ગાબડું પડ્યું

છેલ્લાં કેટલાંય સમયથી રસ્તા પર ખાડાની બૂમો ઉઠી રહી છે ત્યારે હવે તો સુરતના ફલાય ઓવર બ્રિજ પર ખાડાની નવી ઘટના સામે આવી છે. શહેરના ભટાર રોડ પર આવેલા ફલાય ઓવર બ્રિજ પર 5 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. જે દર્શાવે છે કે સ્માર્ટ સિટીમાં બધું જ પોલમપોલ છે. ભ્રષ્ટ્રાચારીઓના પાપના ખાડા હવે ઠેરઠેર દેખાઈ રહ્યાં છે. બ્રિજ પર ખાડાનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે.

સુરતની ઓળખ બ્રિજ સિટી તરીકે થાય છે. અહીં 125થી વધુ બ્રિજ બની ચૂક્યા છે. આ બ્રિજની હેલ્થનું નિયમિત ચેકઅપ થતું હોવાના દાવા પાલિકાના અધિકારીઓ કરતા હોય છે, પરંતુ તે બધા દાવા પોકળ હોવાની સાબિતી આપતી ઘટના બની છે.

ભટારના ફ્લાય ઓવર બ્રિજના બિઝી એપ્રોચ પર લગભગ 5 ફૂટ ઊંડું ગાબડું પડી ગયું છે. જે તંત્રની લાપરવાહી દર્શાવે છે. ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજની નીચેનો રસ્તો સ્પષ્ટપણે જોઈ શકાય છે. લાંબો સમયથી ગાબડું પડ્યું હોવા છતાં તેના સમારકામ માટે કોઈ અધિકારી ફરક્યા નહોતા.

નજરે જોનારાઓએ કહ્યું કે, યુનિવર્સિટીને ઉધના રોડથી જોડતા ભટારનો ફલાય ઓવર બ્રિજ ભારે વ્યસ્ત રહે છે. આ બ્રિજના એપ્રોચા ભાગમાં 9 ઓક્ટોબરની બપોરે અચાનક ગાબડું પડ્યું હતું. આ ગાબડું દોઢ ફૂટ પહોળું અને પાંચેક ફૂટ ઊંડું હતું. તેમાં આખો હાથ નાખી શકાયો હતો. નીચેનો રસ્તો પણ દેખાયો હતો. ગાબડાની બાજુમાં એપ્રોચના ભાગમાં મોટી તિરાડ પણ હતી. જે બ્રિજનું સ્ટ્રક્ચર જોખમમાં હોવાનું દર્શાવે છે.

સ્થાનિકોએ માગણી કરી છે કે પાલિકા યુદ્ધના ધોરણે બ્રિજને બંધ કરી તેનું સમારકામ શરૂ કરે.

Most Popular

To Top