સુરતઃ ભાજપના શાસકો આખું તળાવ ગળી ગયા હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વર્ષ 2017માં પાલમાં લેક ગાર્ડન ખુલ્લું મુકાયું હતું. પરંતુ પાછલા 8-9 વર્ષમાં અહીંના તળાવમાં સમ ખાવા પૂરતુંય પાણી જોવા મળ્યું નથી. સુરત મનપાનું તંત્ર આ લેક ગાર્ડનમાં પાણી ભરવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું છે. ચોમાસાની સિઝનમાં ક્યારેક પાણી ભરાયેલું દેખાય પરંતુ જેવો વરસાદ બંધ કે પાણી ગાયબ થઈ જાય છે. આ મામલે સ્થાનિક રહીશોએ તંત્ર પાસે જવાબ માંગ્યો છે.
- પાલ લેક ખુલ્લું મુકાયાના 8 થી 9 વર્ષ વીતી ગયા, એકેય વાર પાણી ભરેલું જોવા મળ્યું નથી.
- પાલ લેકમાં પાણી ભરવામાં ભાજપ શાસકો અને મનપાનું તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યું છે
- પાલ લેકમાં મુકાયેલા ઐતિહાસિક હોપ પુલના સ્પાનની હાલત પણ જર્જરિત
- મેઈન્ટેનન્સના અભાવે પાલ લેક પર ઠેરઠેર સિમેન્ટના પોપડાં ઉખડી ગયા છે
- રાતના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યો છે પાલ લેક ગાર્ડન
- સ્થાનિક રહીશો અને લેકમાં ફરવા આવતા લોકો નારાજ
- ડુમસ સી ફેસ પ્રોજેક્ટ પર કરોડો ખર્ચનારા શાસકો પાલ લેક ગાર્ડન પર રહેમ નજર કરે તેવી માંગણી ઉઠી છે
મેઈન્ટેનન્સના અભાવે પાલ લેક ગાર્ડની હાલત બદતર
પાલ લેકમાં પાણી ભરવામાં નિષ્ફળ તંત્ર લેક ગાર્ડની માવજત કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. અહીં ઠેરઠેર કચરો જોવા મળે છે. એટલું જ નહીં પગથિયામાંથી સિમેન્ટના પોપડાં ઉખડી ગયેલા જોવા મળે છે. બાંકડાની હાલત ખરાબ છે. જોગીંગ કરવા આવતા લોકો કહે છે કે, પાલના ઘરેણાં સમાન આ લેક ગાર્ડન ભગવાન ભરોસે છે. તેનું રેગ્યુલર મેઈન્ટેનન્સ થઈ રહ્યું નથી.
મોડી રાત્રે અસામાજિક તત્વો અડ્ડો જમાવે છે
આ ગાર્ડનમાં મોડી રાત્રે દારૂડિયા અને અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશ રાજેશ ચૌહાણ કહે છે કે, અહીં દારૂડિયા દારૂ પીતા હોય છે. ડ્રગ્સનો નશો પણ કરવામાં આવે છે. એટલું જ નહીં ફૂટપાથ પર રહેતા લોકો રાત્રે ગાર્ડનમાં ઉંઘવા આવતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.