Business

શેર બજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 953 અને નિફ્ટીમાં 340 પોઈન્ટનો ઘટાડો

મુંબઈ: સોમવારનાં રોજ શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ 1000 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 16997ની નીચે સરકી ગયો છે. હાલમાં સેન્સેક્સ 1000 પોઈન્ટના ઘટાડા સાથે 57,075ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 339 પોઈન્ટ ઘટીને 16,997ના સ્તરે છે. રૂપિયો 56 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 81.55ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, મેટલ અને રિયલ્ટી સહિતના તમામ ક્ષેત્રોમાં વેચવાલીથી બજાર પર દબાણ જોવા મળ્યું છે.

શેર બજાર રેડ ઝોનમાં
શેરબજાર માટે આજે નકારાત્મક સંકેતો ચાલુ છે અને સ્થાનિક શેરબજારો સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ખૂબ જ નબળાઈ સાથે ખુલ્યા છે. આજે, પ્રી-ઓપનિંગમાં જ, શેરબજારમાં સેન્સેક્સ 700 થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી 1-1 ટકાથી વધુના ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા હતા. આજે તમામ એશિયન બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને શાંઘાઈ, નિક્કી, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં કારોબાર ધીમો રહ્યો હતો. આજના કારોબારમાં, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 573.89 પોઈન્ટ અથવા 0.99 ટકાના ઘટાડા સાથે 57,525 પર ખુલ્યો. NSE સેન્સેક્સ 171.05 પોઈન્ટ અથવા 0.99 ટકાના ઘટાડા સાથે 17,156 પર ખુલ્યો હતો. કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ફુગાવાને નિયંત્રિત કરવા માટે, વિશ્વભરમાં વધતા વ્યાજ દરો અને ડોલરના રેકોર્ડ વધારાને કારણે શેરબજારને અસર થઈ રહી છે. ઊભરતાં બજારોમાંથી રોકાણકારોની વેચવાલી BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી પર પણ અસર કરી રહી છે.

અમેરિકન માર્કેટમાં આજે ઘટાડો
ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં સતત ત્રીજીવાર વધારા અને આગળ પણ વધારો કરશે તેવા સંકેતો બાદ અમેરિકન બજારો ધડામ કરીને તૂટી પડ્યા છે. પાછલા કારોબારી સત્રમાં પણ અમેરિકાના મુખ્ય ઇન્ડેક્સ પૈકી NASDAQ પર 1.80 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો અમેરિકાના પગલે પહેલાથી જ મંદીના ભણકારા સાંભળી રહેલા યુરોપમાં પણ તમામ બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપમાં મુખ્ય બજારો પૈકી જર્મની સ્ટોક એક્સચેન્જ તેના છેલ્લા કારોબારી સત્રમાં 1.97 ટકા જેટલા મોટા કડાકા સાથે બંધ થયું છે. તો ફ્રાંસનું શેરબજાર 2.28 ટકાના ઘટાડા સાથે ધડામ કરતું તૂટી પડ્યું છે. તેવી જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જ પણ 1.97 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું.

એશિયન માર્કેટ પણ કક્ડભૂસ
વૈશ્વિક દબાણના પગલે આજે સપ્તાહના પહેલા દિવસે એશિયન માર્કેટ પણ ડાઉન રહ્યું છે. મોટાભાગના એશિયન બજારો આજે સવારે કડાકા સાથે ખૂલ્યા છે અને નુકસાનીમાં ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.92 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો જાપાનનો નિક્કેઈ 2.21 ટકાના જબ્બર કડાકા સાથે કારોબાર બાર કરી રહ્યો છે. આ ઉપરાંત હોંગકોંગનું શેરબજાર 1.18 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે તો તાઈવાનનું બજાર 1.16 ટકાના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે. તેમજ દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 2.30 જેટલા તગડા કડાકા સાથે કામ કરી રહ્યું છે.

Most Popular

To Top