Columns

તારણમાં લીધેલ માલ/મશીનરીનો વીમો રીન્યુ કરાવવાનું ચૂકી જનાર બેંક નુકસાન વળતર ચૂકવવા જવાબદાર બની શકે!

બેંક જયારે માલના સ્ટોક યા મશીનના તારણ (હાઇપોથિનિકેશન)ની સામે લોન આપે છે ત્યારે સામાન્યતઃ તારણમાં લીધેલ માલનો સ્ટોક / મશીનરીનો વીમો પણ ઉતારવાનો આગ્રહ રાખે છે કે જેથી આગ, પૂર વગેરેથી માલના સ્ટોક / મશીનરીને નુકસાન થવાના સંજોગોમાં કલેમની રકમ ઇન્શ્યુરન્સ કંપની પાસેથી મળી શકે. આ પ્રકારે વીમો લેવાનું લોન લેનારના તેમ જ બેંકના પોતાના હિતમાં છે. પરંતુ, કેટલીક વાર બેંક વીમો લીધા પછી તેને સમયસર રીન્યુ કરાવવાનું એક યા બીજા કારણસર ચૂકી જાય અને તેવા માલ-સ્ટોક/ મશીનરીને આગ યા પૂરથી નુકસાન થઇ જાય તો તેવા સંજોગોમાં વીમાકંપનીઓ સ્ટોક / મશીનરી, ઇન્શ્યુરન્સ હેઠળ કવર થતા નથી એવું જણાવી ક્લેમ નામંજૂર કરે છે.

બીજી તરફ બેંકો પણ લોન લેનારને દાદ આપતી નથી અને તેવા સંજોગોમાં લોન લેનારને મોટા નુકસાનમાં મુકાઇ જવાનો વારો આવે છે. પરંતુ, બેંક દ્વારા વીમો રીન્યુ કરાવવામાં થયેલ ચૂકને બેંકની બેદરકારી અને સેવામાં ક્ષતિ ઠરાવી તેવા સંજોગોમાં બેંકના તારણમાંના અને આગ / પૂરથી નુકસાન પામેલ માલસ્ટોક / મશીનરી અંગે નુકસાન વળતર ચૂકવવા જવાબદાર થતી હોવાનો કાનૂની સિધ્ધાંત તાજેતરમાં કેટલાક મહત્ત્વના ચુકાદામાં વિવિધ ગ્રાહક અદાલતોએ પ્રતિપાદિત કર્યો છે.

આવા જ એક મહત્ત્વના અલ્હાબાદ બેંક વિરૂધ્ધ જી. ડી. એસ ઇલેકટ્રોનિક કું.ના કેસની વિગત જોઇએ તો આ કેસના ફરિયાદી જી. ડી. એસ ઇલેકટ્રોનિક કું.એ સામાવાળા અલ્હાબાદ બેંક કનેથી રૂા. 2,00,000/-ની કેશ ક્રેડિટની કરજ સવલત મેળવી હતી અને મજકૂર કરજ સવલતની સલામતી માટે ફરિયાદીના રો-મટીરિયલ તથા પાકા માલનો સ્ટોક તથા મશીનરી અને ઇક્વિપમેન્ટસ સામાવાળા બેંકને તારણ યાને હાઇપોથિનિકેશનમાં આપવામાં આવેલ હતો. મજકૂર માલના સ્ટોક તથા મશીનરી / ઈક્વિપમેન્ટનો વીમો પ્રથમ વર્ષે સામાવાળા બેંકે ફરિયાદીના ખાતામાંથી પ્રીમિયમની રકમ ઉધારીને અને તે રકમ વીમાકંપનીને ચૂકવીને લીધો હતો.

ત્યાર બાદ, બીજા વર્ષે પણ ફરિયાદીના ખાતામાં પ્રીમિયમની રકમ ઉધારીને મજકૂર રકમ વીમાકંપનીને ચૂકવીને સામાવાળા બેંકે વીમો વધુ એક વર્ષ માટે રીન્યુ પણ કરાવ્યો હતો. પરંતુ, ત્યાર પછીના વર્ષે વીમો રીન્યુ કરાવવાનું બેંક ચૂકી ગઇ હતી. તે દરમિયાન ફરિયાદીની દુકાન/ ગોડાઉનમાં આગ ફાટી નીકળતા ફરિયાદીના માલ-સ્ટોક તથા મશીનરી ઇક્વિપમેન્ટસને રૂા. 1,00,000/-નું નુકસાન થયું હતું. ફરિયાદીએ આ નુકસાનની જાણ બેંકને અને વીમાકંપનીને કરી ત્યારે વીમો રીન્યુ કરાવવાનું બેંક ચૂકી ગઈ

હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વીમો રીન્યુ ન કરાવાયો હોવાથી વીમાકંપનીએ સ્વાભાવિક રીતે જ ક્લેમ ચૂકવવાનો ઈન્કાર કર્યો હતો. જેથી, ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ફરિયાદ જિલ્લા ગ્રાહક અદાલતમાં દાખલ કરી નુકસાન વળતર અપાવવાની દાદ માંગી હતી. જિલ્લા ગ્રાહક અદાલતે ફરિયાદીની ફરિયાદ મંજૂર રાખી વીમો રીન્યુ ન કરાવવામાં બેંકના પક્ષે સેવામાં બેદરકારી અને સેવામાં ક્ષતિ થઇ હોવાનું ઠરાવીને ફરિયાદીને રૂા. 3,00,000/-નું નુકસાન વળતર ચૂકવવાનો સામાવાળા બેંકને આદેશ આપતો હુકમ કર્યો હતો. મજકૂર હુકમથી નારાજ બેંકે સ્ટેટ કમિશનમાં કરેલ અપીલ પણ સ્ટેટ કમિશને ફગાવી દેતાં બેંકે સર્વોચ્ચ ગ્રાહક અદાલત એટલે કે નેશનલ કમિશન સમક્ષ રીવીઝન પીટીશન ફાઇલ કરી હતી.

નેશનલ કમિશને પાછલા 2 વર્ષો દરમિયાન ફરિયાદીના ખાતામાં પ્રીમિયમની રકમ ઉધારીને ફરિયાદીના માલસ્ટોક / મશીનરીનો વીમો લેવાની જવાબદારી બેંકે પોતે સ્વીકારી હોવાની હકીકતની નોંધ લઇ બેંકની વીમો ઉતારવાની યા રીન્યુ કરાવવાની જવાબદારી ન હોવાની દલીલનો છેદ ઉડાડી દીધો હતો અને 2 વર્ષ વીમો લીધા બાદ ત્રીજા વર્ષે વીમો રીન્યુ કરાવવાનું ચૂકી જવાથી બેંકના પક્ષે બેદરકારી અને સેવામાં ક્ષતિ થયેલ હોવાના નીચલી અદાલતોના તારણને અનુમોદન આપ્યું હતું. ફરિયાદીને રૂા. 3,50,000-નું વળતર ચૂકવવા બેંકને જવાબદાર ઠેરવતા નીચલી અદાલતોના ચુકાદાને કન્ફર્મ કરી બેંકની રીવીઝન પીટીશન રદ કરી હતી. આમ, તારણમાં લીધેલ માલ-સ્ટોક, મશીનરી/ ઇક્વિપમેન્ટસ વગેરેનો વીમો લેવાની જવાબદારી સ્વીકાર્યા બાદ વીમો લેવાનું યા રીન્યુ કરાવવાનું ચૂકી જવાનું બેંકને ભારે પડી શકે અને તેવા માલ-સ્ટોક, મશીનરી વગેરેને થયેલ નુકસાન બદલ વળતર ચૂકવવા બેંક જવાબદાર બની શકે.

Most Popular

To Top