સુરત(Surat): શહેરમાં ડોગ બાઈટની (DogBite) વધુ એક ઘટના બની છે. આજે સવારે શહેરના પાંડેસરા વિસ્તારમાં 9 વર્ષના બાળકને કૂતરું કરડ્યું છે. બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (NewCivilHospital) ખસેડવામાં આવ્યો હતો. બાળકની તબિયત સ્થિર છે.
છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરમાં ડોગ બાઈટના કેસો બની રહ્યાં છે. શેરી મહોલ્લામાં રખડતાં કૂતરાંઓ બાળકોને પોતાના શિકાર બનાવી રહ્યાં છે. ડોગ બાઈટ બાદ હડકવાનો રોગ લાગુ પડતાં કેટલાંક બાળકોના મૃત્યુ પણ થયા છે, તેમ છતાં તંત્રની ઊંઘ ઉડી નથી. માત્ર કાગળ પર જ કાર્યવાહી કરાતી હોઈ તેવું લાગી રહ્યું છે. કારણ કે એક વર્ષ બાદ પણ સ્થિતિ બદલાઈ નથી. હજુ પણ લગભગ રોજ ડોગ બાઈટના કેસ બની રહ્યાં છે.
આજે સવારે પણ ડોગ બાઈટની એક ઘટના બની છે. શહેરના પાંડેસરાના નાગસેન વિસ્તારમાં સ્કૂલ જતાં 9 વર્ષના બાળકને રખડતા કૂતરાંએ બચકું ભરી લીધું હતું. બાળકને શ્વાન કરડી લેતા તે સ્કૂલ જવાના બદલે ઘરે પરત ગયો હતો અને માતા પિતાને જાણ કરી હતી.
તેથી ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ લઈ દોડી ગયા હતા. જ્યાં બાળકને જરૂરી સારવાર આપવામાં આવી હતી. શ્વાન કરડવાના કારણે રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને પિતા સાથે ઘરે રવાના કરવામાં આવ્યો હતો.
બાળકના પિતા વિશ્વનાથએ જણાવ્યું હતું કે મારો પુત્ર સવારે 7 વાગ્યે શાળાએ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર રખડતાં એક કૂતરાએ તેની પર હુમલો કર્યો હતો અને બચકું ભરી લીધું હતું. જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. બાળકના પિતાએ વધુમાં કહ્યું હતું કે, પાંડેસરા નાગસેન નગરમાં રખડતા કૂતરાંઓનો ખૂબ ત્રાસ છે. કૂતરાં અવારનવાર લોકોને કરડે છે. તંત્ર રખડતા કૂતરાંઓને પકડી પાંજરે પુરે તેવી અમારી માંગણી છે. હવે તો બાળકો અને લોકો પણ ગભરાઈ ગયા છે. જેથી તંત્રએ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ.