સુરત(Surat): શહેરના અડાજણના (Adajan) છેડે રિવર ફ્રન્ટના (RiverFront) ગ્રાઉન્ડ પર આજે તા. 10 જાન્યુઆરી 2024ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની (IntertaionalKiteFestival) ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10 કલાકે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિતના પદાધિકારીઓની હાજરીમાં પતંગોત્સવનો પ્રારંભ થયો હતો. પતંગોત્સવમાં દેશ વિદેશના 97 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ વર્ષે પતંગોત્સવ પણ રામભક્તિના રંગે રંગાયો હતો. પતંગબાજોએ પ્રભુ શ્રી રામની (ShriRam) છબીવાળા પતંગો ચગાવ્યા હતા.
ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા સુરતના 39, નવસારીના 1, વડોદરાના 5 અને ભરૂચના 1 મળી કુલ 97 પતંગબાજોએ ભાગ લીધો હતો.
મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓની પ્રેરણાથી કાઈટ ફેસ્ટિવલનું આયોજન શરૂ કરાયું હતું, જે પરંપરા જાળવી રાખવામાં આવી છે. કાઈટ ફેસ્ટિવલમાં સવારથી 2થી 3 હજાર સુરતીઓ પધાર્યા હતા. દેશવિદેશના પતંગબાજોએ ઉત્સાહભેર કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.
75 ફૂટના શ્રી રામની છબીવાળા પતંગે આકર્ષણ જમાવ્યું
સુરતના રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં મુખ્ય આકર્ષણ 75 ફૂટના પતંગનું રહ્યું હતું. આ પતંગમાં શ્રી રામની છબી ઉપરાંત રામ મંદિર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી કંડારવામાં આવી હતી. કાપડ પર ડિજીટલ પ્રિન્ટ કરાવવામાં આવી હતી. સુરતના મિતેશ નકુમે કહ્યું કે, શ્રી રામ મંદિરની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મેં પતંગમાં શ્રી રામ મંદિરની છબી કંડારી છે. હિન્દુ ધર્મની પ્રતિષ્ઠતા વિશ્વભરમાં ફેલાઈ તે હેતુથી પતંગમાં શ્રી રામ મંદિરની છબી કંડારવામાં આવી છે.
મિતેશ નકુમની દીકરી ધ્વનિએ પણ પ્રભુ શ્રી રામની છબીવાળો પતંગ ચગાવ્યો હતો. નકુમ 10 વર્ષથી વિશ્વભરના કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લે છે. અત્યાર સુધી તેઓ 24 દેશોના ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂક્યા છે. તેઓ પાસે અલગ અલગ 300 પ્રકારના પતંગ છે. સાસ્કમાના સ્ટુડન્ટ પ્રથમ અને તેના ગ્રુપે પણ શ્રી રામની છબીવાળો પતંગ ચગાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગ સુરતના કાઈટ ફેસ્ટિવલમાં ત્રીજાવાર ભાગ લીધો
કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયાથી રિકી પોન્ટીંગ નામના એક પતંગબાજ પધાર્યા હતા. તેમના પતંગ કરતા વધુ તેમના નામે આશ્ચર્ય સર્જયું હતું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ નું નામ હોવાથી લોકો તેમની સાથે સેલ્ફી પડાવતા હતા.
સ્પેનથી એક પતંગ બાજે પોતાના માનીતા પેઈન્ટરની પેઈન્ટિંગ પતંગ પર કરી હતી. તે પતંગ તેઓ ચગાવી રહ્યાં હતાં. કંબોડિયાના સિનીયર સિટીઝન કપલે ગોડ ઓફ ડાન્સની તસવીર પતંગ પર કંડારી હતી. નિવૃત્ત યુગલ દર વર્ષે દેશ વિદેશમાં કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેતા રહે છે.
હવા નહીં હોવાના લીધે પતંગબાજો હેરાન થયા
સવારે 9 વાગ્યે નિર્ધારિત સમયે કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ શક્યો નહોતો. નિર્ધારિત સમય કરતા 1 કલાક મોડો અંદાજે 10 વાગ્યે પ્રોગ્રામ શરૂ થયો હતો. સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અનિવાર્ય સંજોગોના લીધે આવી શક્યા નહોતા. શહેરના મેયર દક્ષેશ માવાણીએ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. જોકે, હવા નહીં હોવાના લીધે પતંગબાજોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કાઈટ ફેસ્ટિવલ સાંજે 5 વાગ્યા સુધી ચાલનાર હતો, પરંતુ હવાના અભાવે બપોરે જ પતંગબાજો કંટાળી ગયા હતા.
10 હજારથી 1 લાખ સુધીના પતંગ પતંગબાજોએ ઉડાવ્યા
કાઈટ ફેસ્ટિવલમાં પરંપરાગત પતંગ ચગાવવામાં આવતા નથી. દેશવિદેશના પતંગબાજો અવનવી ડિઝાઈનના પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પતંગબાજો પૈકી એક ભાઈ ચિત્તાના આકારનો પતંગ લાવ્યા હતા. એક ભાઈ સ્પેનના પેઈન્ટરની છબી કંડારી લાવ્યા હતા. મોટા ભાગે તો આ વર્ષે શ્રી રામની છબીવાળા જ પતંગ હતા. આ પતંગોની કિંમત સામાન્ય હોતી નથી. સૌથી નાના પતંગની કિંમત 10 હજાર હતી, જ્યારે મોંઘા પતંગોની કિંમત 1 લાખ કે તેથી વધુ હતી. પતંગબાજ નકુમે કહ્યું કે, આવા વિશાળ પતંગ ભારતમાં બનતા નથી. ઈન્ડોનેશિયા કે અન્ય દેશોમાં આવા પતંગ બનતા હોય છે. પતંગની બનાવટમાં ઈમ્પોર્ટેડ કાપડનો ઉપયોગ થાય છે અને તે ઉડાડવા માટે દોરી પણ વિદેશથી મંગાવવી પડે છે.