SURAT

VIDEO: સુરતના કામરેજમાં 70 વર્ષીય વૃદ્ધા 25 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયા

સુરત: (Surat) સુરતમાં કામરેજ નજીક આવેલા આંબોલી ગામ બાવાજી ફળીયામા આજે ગુરુવારે સવારે સુરત ફાયર (Fire) વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) કરીને બોરવેલમાં (Borewell) પડેલા 70 વર્ષીય વૃદ્ધાને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. સુરત ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે કામરેજ નજીક આવેલા આવેલા આંબોલી ગામ નજીક તેમને એક વૃદ્ધા બોરવેલમાં પડી ગયો હોવાનો કોલ મળ્યો હતો.

કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટિમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચીને માલુમ પડ્યું હતું કે 70 વર્ષીય વૃદ્ધા સવારે લઘુશંકાએ જઇ રહ્યા હતા, તે દરમિયાન તેઓ બોરવેલમાં પડી ગયા હતા. આ બોરવેલ લગભગ 20 થી 25 ફૂટ ઊંડું હતું. ફાયર વિભાગે તાત્કાલિક જ સેફટી બેલ્ટ અને દોરડાની મદદથી વૃદ્ધ મહિલાને સહી સલામત બહાર કાઢી હતી. ફાયર ઓફિસર પ્રવીણ પટેલના જણાવ્યા અનુસાર અંદાજે 20 ફૂટ ઉંડા આ બોરવેલમાં વૃદ્ધ બા લગભગ અડધો કલાક કરતા પણ વધારે સમયથી ફસાયેલા રહ્યા હતા. વૃદ્ધ મહિલાનું નામ કપિલાબેન ઠાકોરભાઈ રામાનંદી છે અને તેમની ઉંમર અંદાજે 70 વર્ષ હતી. લગભગ એકાદ કલાકની જહેમત બાદ વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરત ફાયર વિભાગ અને તેમની ટીમનો ગ્રામજનોએ આભાર માન્યો હતો.

સુરત શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેરઠેર ભૂવા પડ્યા
સુરત: સુરતમાં વહેલી સવારથી વરસાદ (Rain) વરસી રહયો હતો બપોરે વરસાદે વિરામ લીધા બાદ ફરી તડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરતમાં (Surat) રાત્રે સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા રોડ પણ પાણી ફરી વળ્યું હતું. તેમજ સુરતની મીઠી ખાડી (Mithi Khadi) પણ ભયજનક સપાટીએ પહોંચી ગઈ હતી. જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. શહેરમાં પહેલા જ વરસાદે રસ્તા નીચે બેસી ગયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર ભૂવા પડી ગયા હતા. ત્યારે સુરતના ઉઘના મગદલ્લા રોડ પર મસમોટો ભૂવો પડી ગયો હતો. ઉધના મગદલ્લા રોડ પર જોગર્સ પાર્ક નજીક રસ્તા બેસી જવાની સ્થિતિ જોતા રસ્તો રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખુલી ગઈ હતી. એક વરસાદમાં રસ્તાના આવા હાલ થઈ જતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં ૬ ઇંચ વરસાદ, ઓલપાડમાં દોઢ ઇંચ, ચોર્યાસીમાં બે ઇંચ, માંગરોળમાં ૩ ઇંચ અને કામરેજમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં ગતરાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં સુરત સિટીમાં 23 એમએમ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કામરેજ તાલુકામાં 28 એમએમ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ નીલ રહ્યો હતો. રાત્રે બે કલાકમાં 23 એમએમ વરસાદ વરસ્યો ત્યાર બાદ પણ વરસાદ પડવાનો ચાલુ જ રહ્યો હતો. આજે વહેલી સવારે પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Most Popular

To Top