વ્યારા: વ્યારાનાં માલીવાડમાં રહેતા ૭૦ વર્ષિય વૃદ્ધે પોતાનું વધેલું જમવાનું ઘરની બહાર નાંખી દેતા તેનાં પૌત્રે લાકડાનો ફટકો મારતા લોહી લુહાણ થયા હતા. વહુ તથા પૌત્રીએ પણ ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે દાદાને બેરહેમીથી માર મારનારા વહુ, પૌત્ર અને પૌત્રી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- વ્યારાના માલીવાડમાં 70 વર્ષીય વૃદ્ધને વહુ, પૌત્ર-પૌત્રીએ ઢોરમાર મારતાં લોહીલુહાણ
- વૃદ્ધે વધેલું જમવાનું ઘરની બહાર ફેંક્યું તો પૌત્રએ કપાળમાં લાકડાનો ફટકો ઝીંકી દીધો
- વહુ અને પૌત્રીએ ઢીક-મુક્કીનો માર માર્યો
માલીવાડ ફળિયામાં ગત ૦૩/૦૯/૨૦૨૪ના રોજ છનાભાઇ મોરારભાઈ નાયકા પોતાનાં ઘરે રાત્રે આઠેક વાગ્યે જમી પરવારી, જે જમવાનું વધ્યું હતું તે ઘરની બહાર નાંખી આવ્યા હતા. જેને લઈ તેનો પૌત્ર સુજલ, પૌત્રી મહેક તથા વહુ વર્ષાબેન નાયકા છનાભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. સુજલે લાકડા વડે છનાભાઈને કપાળના ભાગે એક ફટકો માર્યો હતો, જેથી તેમનાં કપાળમાંથી લોહી નીકળતા તેમની પુત્રી વર્ષાબેન રાઠોડ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે વ્યારા સરકારી દવાખાને લઇ આવી હતી.
વાગરાની આરતી ડ્રગ્ઝ કંપનીમાં સાયખાના યુવકનું શંકાસ્પદ મોત
ભરૂચ: વાગરા તાલુકાના સાયખા ગામે પરિવારનો એકનો એક દીકરો 22 વર્ષીય કરણ રણજિત રાઠોડ, સાયખા જીઆઇડીસીમાં આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો. નિત્યક્રમ મુજબ તે 5મી સપ્ટેમ્બરના રોજ કંપનીમાં નોકરી પર ગયો હતો અને ત્યાં લગભગ 4 વાગ્યાના અરસામાં કંપનીના કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો. કંપનીના અન્ય કામદારોએ દોડી આવી તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતાં, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો, સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવકનું મોત નીપજતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ બહાર લોકોના ટોળા એકત્ર થયા હતા. યુવકનું કરંટ લાગવાથી જ મોત નીપજ્યું કે પછી અન્ય કોઈ કારણોસર તે મોતને ભેટ્યો છે. તેનું ચોક્કસ કારણ જાણવા પરિવારે મૃતકનું પેનલ પી.એમ. કરવાની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.