સુરતઃ શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં આઘાતજનક ઘટના બની છે. અહીં સ્કૂલ વાન નીચે કચડાઈ જતા 5 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત નિપજ્યું છે.
- સિંગણપોરની નંદનવન સોસાયટીની ઘટના
- શારદા સ્કૂલનો વાન ચાલકે અકસ્માત કર્યો
- વાન રિવર્સમાં લેતી વખતે 5 વર્ષના શ્લોકને કચડ્યો
- એકના એક દીકરાનું મોત નિપજતા પરિવાર આઘાતમાં
પ્રાપ્ત માહિતી અનુસાર શારદા સ્કૂલની વાન સિંગણપોરની નંદનવન સોસાયટીમાં બાળકોને મુકવા ગઈ હતી. બાળકોને ઘરે મુક્યા બાદ સ્કૂલ વાનનો ચાલક વાન રિવર્સમાં લઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. 5 વર્ષીય બાળક વાનના પૈંડા નીચે કચડાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે સ્કૂલ વાનના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિંગણપોર રોડ પર નંદનવન સોસાયટી આવેલી છે. અહીં પારસભાઈ નારીગરા પરિવાર સાથે રહે છે. પારસભાઈ રત્નકલાકાર છે. તેમનો એકનો એક દીકરો 5 વર્ષીય શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો ત્યારે આઘાતજનક ઘટના બની છે.
શ્લોક આજે સવારે સોસાયટીમાં રમી રહ્યો હતો ત્યારે શારદા સ્કૂલની વાનનો ચાલક બાળકોને તેમના ઘરે મુકી પરત ફરી રહ્યો હતો. ત્યારે રિવર્સ લેતી વખતે શ્લોકને અડફેટે લઈ કચડી નાંખ્યો હતો. વાનની નીચે કચડાઈ જવાના લીધે માસૂમ બાળક શ્લોકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ (ઉં.વ. 45 રહે, કતારગામ દરવાજા)ને પકડી વધુ તપાસ હાથ ધરી હતી.
લગ્નના 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો
પારસભાઈના 15 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન જીવનના 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો. શ્લોક પરિવારનો એકનો એક દીકરો હતો. તે ખૂબ લાડકો હતો. અકસ્માતમાં શ્લોકનું મોત નિપજતા નારીગરા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરિવારે શ્લોકની આંખો ડોનેટ કરી છે.