સુરતઃ સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઇ છે. જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી. ત્યારે ત્યાં એક હવસખોર આવ્યો હતો અને બાળકી પર નજર બગાડી બાળકીને વ્હાલનું નાટક કરી બાળકીને ઊંચકી લીધી હતી. આ કેસમાં પોલીસે શંકાસ્પદ આરોપીને પકડ્યો છે.
એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તુરંત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી.
પોલીસે શંકાસ્પદ ઈસમને પકડ્યો
વરેલી ગામના અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ એક શંકાસ્પદ ઇસમને ઝડપી લીધો હતો અને તેની હાલ કડક પૂછપરછ હાથ ધરી છે. 45 વર્ષનો નરાધમ બાળકીને અડધો કીમી દૂર પોતાની રૂમમાં લઈ ગયો અને ત્યાં પોતાની કાળી કરતૂત કરી હતી.
ધોળા દિવસે બજારમાં ફરી રહેલા હવસખોરને લઇને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે. પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમતા મૂકવા પણ ડરી રહ્યા છે.