SURAT

સુરતના 44 વર્ષીય બ્રેઈન ડેડ LIC એજન્ટના દેહદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન

સુરત: સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં રહેતા 44 વર્ષીય એલઆઈસી (LIC) એજન્ટને મગજની લોહીની નળી બ્લોક થયા બાદ બ્રેઈન ડેડ (Brain Dead) થયા હતા. સ્વજનના મોતનો આઘાત વેઠી રહેલાં તેમના પરિવારજનોએ આ દુ:ખમાં અંગદાનનો ઉમદા નિર્ણય કર્યો હતો. એલઆઈસી એજન્ટના અંગદાનથી (Body Donate) 4 લોકોને નવું જીવન મળ્યું છે.

  • 74મા પ્રજાસત્તાક દિને ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી કરાવવામાં આવ્યું
  • શ્રી સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ નિમિષ રજનીકાંત ગાંધી ઉ.વ. 44ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ નિમીષના કિડની અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

આ બનાવની વિગત એવી છે કે અડાજણના હનીપાર્ક રોડ પર મણીનગર રો હાઉસમાં રહેતા અને LIC એજન્ટ તરીકે કાર્ય કરતા નિમીષ રજનીકાંત ગાંધીને ગઈ તા. 23 જાન્યુઆરીના રોજ માથામાં દુઃખાવો અને ઉલટી થતા પરિવારજનોએ તેને અમીટી હોસ્પીટલમાં ડો.કલ્પેશ અમીચંદવાલાની સારવાર હેઠળ દાખલ કર્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે નિમીષને યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે MRI એન્જીયો કરાવતા મગજની લોહીની નળીમાં બ્લોક હોવાનું નિદાન થયું હતું. 23 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડો. જીગર ઐયા અને ડો. પરેશ પટેલે સર્જરી કરી લોહીની નળીમાંથી ગાંઠ કાઢી સ્ટેન્ટ મુક્યો હતો. ત્યારબાદ તબિયત વધુ બગડતા 24 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડો. હસમુખ સોજીત્રાએ મગજનો સોજો ઓછો કરવા માટેની સર્જરી કરી હતી. પરંતુ નિમીષની સ્થિતિ સુધરી નહોતી. આખરે તા. 25 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડો. હસમુખ સોજીત્રા, ન્યુરોફીઝીશયન ડો. રોશન પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. ખુશ્બુ વઘાશિયા, ફીજીશિયન ડો. કલ્પેશ અમીચંદવાલા અને ડૉ.ભાર્ગવ ઉમરેટીયાએ નિમીષને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

પિતા અને પત્નીએ યુવાન દીકરાના અંગદાનની મંજૂરી આપી
યુવાન દીકરો બ્રેઈનડેડ થયા બાદ હૃદય પર પત્થર મુકી પિતાએ અંગદાનની મંજૂરી આપી હતી. નિમીષના પિતા રજનીકાંત અને તેની પત્ની ચૈતાલી એ જણાવ્યું કે નિમીષ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આપ આગળ વધો. નિમીષના પરિવારમાં વૃદ્ધ માતાપિતા રજનીકાંત અને સુધાબેન, પત્ની ચૈતાલી, પુત્રી કવિતા જે BBA ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને પુત્ર રૂદ્ર જે BCA ના બીજા સેમેસ્ટમાં અભ્યાસ કરે છે.

અમદાવાદની વૃદ્ધામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે સૂચના આપી હતી. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમે આવી કિડનીનું દાન સ્વીકાર્યું હતું. ફેટી લિવર હોવાને કારણે લિવરનું દાન થઇ શક્યું ન હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના દિનેશભાઈ જોગણીએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 67 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું છે.

દક્ષિણ ગજુરાતમાંથી અત્યાર સુધીમાં 1073 અંગોનું દાન થયું
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1073 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 450 કિડની, 192 લિવર, 8 પેન્ક્રીઆસ, 43 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 350 ચક્ષુઓના દાનથી કુલ 986 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Most Popular

To Top