પલસાણા: પલસાણા તાલુકાના વરેલી ખાતે ગીતગોવિંદ સોસાયટીમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળા ઘરની બહાર રમી રહી હતી, ત્યારે એક નરાધમ બાળાને ઊંચકી લઈ જઈ પિંખી નાંખવાની ઘટનાને લઈ કડોદરા પોલીસ દોડતી થઈ છે.
આ અંગે ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના વરેલી ખાતે ગીત ગોવિંદ સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકીના માતાપિતા નોકરી પર ગયા હતા. બાળકી દાદા-દાદી સાથે ઘરે એકલી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ બાળકી ઘરે એકલી રમી રહી હતી ત્યારે અચાનક ગુમ થઈ ગઇ હતી. પોણા એક વાગ્યાની આસપાસ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. તેના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાથી બાળકીના દાદા-દાદીએ તાત્કાલિક તેના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના અંગે કડોદરા પોલીસને જાણ કરતા જ કડોદરા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર ધસી આવ્યા હતા.
CCTV કેમેરા તેમજ અન્ય કેટલીક બાબતો તપાસવાનું શરૂ કરતાં એક નરાધમ બાળકીને ઊંચકીને લઈ જતો નજરે પડ્યો હતો. જેણે બાળકીને પિંખી નાખ્યા બાદ છોડી દીધી હતી. સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપીને શોધવા માટે સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ ઉપરાંત LCBની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં વરેલી પંથકમાં ચાર જેટલા ચપ્પુથી હુમલાની ઘટના બાદ વરેલીને અડીને આવેલા હરિપુરા વિસ્તારમાં એક યુવકની હત્યા અને ત્યારબાદ બાળકી સાથે રેપની ઘટનાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.