SURAT

સુરતમાં 4 વર્ષના બાળક પર રખડતા શ્વાનોનો ભયાનક હુમલો, માસૂમના શરીર પર 50થી વધુ ઇજાઓ થઈ

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ખતરો ફરી એક વખત ગંભીર ચિંતાનું કારણ બન્યું છે. સચિન વિસ્તારમાં એક 4 વર્ષના માસૂમ બાળક પર શ્વાનોના ટોળાએ એવો હુમલો કર્યો કે સમગ્ર વિસ્તાર હચમચી ગયો. આ હુમલાથી નાના બાળકના શરીર પર 50થી વધુ ઇજાઓ અને માથું ગંભીર રીતે ફાટી જવાથી બાળકની હાલત અત્યંત નાજુક છે.

મળતી માહિતી મુજબ 4 વર્ષનો શિવાય પ્રજાપતિ તેના પિતા સાથે સચિનની એક કંપની પાસે ગયો હતો. પિતા કામમાં વ્યસ્ત હતા ત્યારે શિવાય થોડું આગળ નીકળી ગયો. આ દરમિયાન અચાનક 4–5 રખડતા શ્વાનોએ બાળકને ઘેરીને હુમલો કરી દીધો.

બાળક નાના કદનો હોવાને કારણે શ્વાનો માટે સરળ નિશાન બની ગયો. શ્વાનો બચકાં ભરીને તેનું માથું અને શરીરના ભાગોને ચીરી નાખ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે બાળકના માથામાં ઊંડા જખ્મો અને સમગ્ર શરીરમાં 50થી વધુ ઇજાઓ નોંધાઈ છે.

લોકોની દોડધામ પછી બાળક છોડાવ્યો
બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા અને શ્વાનોને મારી ભગાડ્યા. પરંતુ ત્યાં સુધીમાં શ્વાનોએ બાળકને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. તે સમયે બાળક સંપૂર્ણ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો.

ત્યારબાદ બાળકને તરત જ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં તબીબી ટીમ તેની સારવારમાં લાગી છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળકના માથાની ઇજા અત્યંત ગંભીર છે અને બાળકની સ્થિતિ અસ્થિર છે.

બાળકની માતાની હાલત ખરાબ
બાળકને લોહીલુહાણ હાલતમાં જોતા માતા હોસ્પિટલમાં ખૂજ જ રડી પડી હતી. પરિવારમાં ગમગીનીનું વાતાવરણ છવાયું છે. પિતાના સહકર્મીએ જણાવ્યું કે “અમે કામ કરી રહ્યા હતા ખબર જ ન પડી કે બાળક બહાર ગઈ ગયું. ત્યાંના શ્વાનો ખૂબ ખતરનાક છે.”

Most Popular

To Top