સુરત-ભેસ્તાન આવાસમાં રહેતા શ્રમજીવી પરિવારના 4 વર્ષના બાળક રમતા-રમતા લોખંડનો બોલ્ટ ગળી જતાં પરિવારજનો દોડતા થઈ ગયા હતા. પરિવારજનો બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે. બાળકને ઇ-ટુ વોર્ડમાં દાખલ કરાયો છે. સવારથી દાખલ બાળકના પેટમાંનો બોલ્ટ તેની જગ્યા બદલતો રહે છે, તબીબો તે બોલ્ટ કુદરતી હાજતમાં નીકળી જવાની રાહ જોઈ રહ્યા છે.
- ભેસ્તાનના આવાસમાં રહેતા ઈમરાન શેખનો દીકરો રમતા રમતા બોલ્ટ ગળી ગયો
- પરિવારજનો બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા
- બાળકના પેટમાંનો બોલ્ટ તેની જગ્યા બદલતો રહે છે, તબીબો તે બોલ્ટ કુદરતી હાજતમાં નીકળી જવાની રાહ જોઈ રહ્યા છે
- બાળકને કેળાં ખવડાવવામાં આવી રહ્યાં છે અને પાણી અપાઈ રહ્યું છે
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ભેસ્તાન આવાસ ખાતે ઇમરાન શેખ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની નાજીરબેન અને ત્રણ દીકરીઓ અને એક દીકરો નોભાન( 4 વર્ષ)છે. ઇમરાન શેખ કલરકામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે.
ગતરોજ ભેસ્તાન આવાસમાં નોભાનના મામાના લગ્ન હતા. ઘરમાં બધા મહેમાન હતા. તેઓ આજરોજ મંગળવારે ઘરમાં વિરવિખેર પડેલો સામાન સરખો કરતા હતા. ત્યારે ફોલ્ડિંગ પલંગનો લોખંડનો બોલ્ટ નીચે પડેલો હોય નોભાન રમતા-રમતા તે બોલ્ટ ગળી ગયો હતો. તેને સારવાર માટે પરિવારજનો તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હાલ તેને ઇ-ટૂ વોર્ડમાં દાખલ કરાયો છે. એક્સ-રેમાં નોભાનના પેટમાં બોલ્ટ તેની જગ્યા બદલે છે. ડોક્ટરો બાળકને કેળા ખાવાની અને વધુ પાણી પીવાની સલાહ આપી રહ્યાં છે. બોલ્ટ કુદરતી હાજતમાં નીકળવાની ડોક્ટરો રાહ જોઈ રહ્યાં છે.