સુરત(Surat) : છેલ્લાં કેટલાંક સમયથી સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેકથી (Heart Attack) મોતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ બે દિવસ પહેલાં જ સુરતમાં ભાજપના યુવાન કોર્પોરેટર ગેમર દેસાઈએ હાર્ટ એટેકના લીધે જીવ ગુમાવ્યો છે. ત્યાં ધૂળેટીની (Dhuleti) રાત્રે સુરતના 35 વર્ષીય જીમ ટ્રેનરના મોતથી (Death) સોંપો પડી ગયો છે.
સુરત નજીક આવેલા ગવિયર ગામના 35 વર્ષીય યુવકનું અકાળ મૃત્યુ થયું છે. જીમ ટ્રેનર સાહિલ પટેલ તંદુરસ્ત હતો. તેને કોઈ બિમારી નહોતી, પરંત ગઈ કાલે રાત્રિએ તે અચાનક ઢળી પડ્યો હતો. સાહિલને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. પરિવારજનો સાહિલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ટૂંકી સારવાર દરમિયાન સાહિલે દેહ છોડી દીધો હતો.
ગવિયર ગામના સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. સાહિલના પરિવારજનોએ કહ્યું કે, તેને કોઈ બિમારી નહોતી. તેમ છતાં અચાનક મોત થયું છે. સાહિલના મૃત્યુને કોઈ સ્વીકારી શકે તેમ નથી. કારણ કે તે જીમ ટ્રેનર હતો અને તંદુરસ્ત હતો. પોસ્ટ મોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
બે દિવસ પહેલાં ભાજપના કોર્પોરેટરનું હાર્ટએટેકથી મોત થયું
સુરત મહાનગર પાલિકાના ભાજપના કાઉન્સિલર ગેમર દેસાઈ (Ghemar Desai Death)નું હોળી પહેલાં શનિવારે તા. 23 માર્ચના રોજ હાર્ટ એટેકના લીધે મોત થયું હતું. તેઓ સવારે પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેઓ ઘરમાં જ ઢળી પડ્યા હતા. નીચે પડવાના કારણે ગેમર દેસાઈને માથામાં ઈજા થઈ હતી. તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.
ગેમર દેસાઈ શાંત અને મળતાવડા સ્વભાવ માટે જાણીતા હતા. તેઓ ભાજપમાંથી ત્રીજી વખત સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 18 (લિંબાયત-પરવત-કુંભારિયા)ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ગેમર દેસાઈના અવસાનના સમાચાર ફેલાતા શહેરના રાજકીય વર્તુળમાં સોંપો પડી ગયો હતો. ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર અને રબારી પશુપાલન સમાજના આગેવાન ગેમર દેસાઈના અવસાનના સમાચારને પગલે શોક વ્યાપી ગયો હતો.