વડોદરા: શહેર નજીક આવેલા આજોડ ગામમા રહેતી સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીને કપિરાજે બચકા ભરતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.બાળકીને 60 થી વધુ ટાંકા આવ્યા હતા.કપિરાજના આતંકને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરના સીમાડે આવેલા દશરથ ગામથી માંડ એક કિલોમીટરના અંતરે આવેલા આજોડ ગામે સાડા ત્રણ વર્ષની પ્રાંશી પંડ્યા ઘર આંગણે ઓટલા પર રમતી હતી. આ દરમ્યાન લડતા લડતા બે કપિરાજ ત્યાં આવી પહોંચ્યા હતા. બે પૈકી એક કપિરાજે પ્રાંશીને ઉઠાવી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે અન્ય બાળકોએ બુમાબુમ કરતાં કપિરાજ પ્રાંશી ને બચકા ભરી નાસી ગયો હતો. કપિરાજના હુમલાથી ગંભીર રીતે ઘાયલ પ્રાંશીને છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબોને પ્રાંશી ને સારવાર દરમ્યાન 60 થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજોડ ગામમાં કપિરાજોની આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે.ત્યારે ગ્રામજનો કપિરાજોના ત્રાસથી મુક્ત થાય એવી કાર્યવાહી પંચાયત તરફથી થાય એવી ગ્રામજનોની માંગણી છે.