સુરત: અચાનક બેભાન થઈ મોતને ભેટવાના કિસ્સામાં ચિંતાજનક હદે વધારો થયો છે. આવા બનાવ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં બની રહ્યાં છે. યુવાન વયના લોકો પણ આ રીતે મૃત્યુ પામી રહ્યાં છે. આવી જ એક ઘટના ગુરુવારે સાંજે ચોકબજાર વિસ્તારમાં બની હતી.
ચોક બજાર વિસ્તારમાં 22 વર્ષીય યુવતી અચાનક રોડ પર બેભાન થઈ ગઈ હતી. અચાનક જ રસ્તા પર યુવતી પડી જતા આસપાસના લોકો તથા નજીકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી પણ દોડી ગઈ હતી. મહિલા પોલીસ કર્મચારીએ તાત્કાલિક સીપીઆર અને માઉથ ટુ માઉથ આપી યુવતીને પ્રાથમિક સારવાર આપી હતી.
થોડી જ વારમાં યુવતી હોંશમાં આવી ગઈ હતી. ત્યાર બાદ તેણીને પોલીસના વાહનમાં જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા પોલીસે કહ્યું કે, હાર્ટ એટેકના બનાવ બન્યા બાદ પોલીસ કર્મચારીઓને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી છે, જેથી પોલીસ કર્મચારીઓ લોકોની મદદ કરી શકે. તે તાલીમ આજે કામમાં આવી.
અઠવાગેટ સર્કલ પર 33 વર્ષનો યુવક બેભાન થયો, પોલીસે જીવ બચાવ્યો
આવી એક ઘટના અઠવાગેટ સર્કલ પાસે બની હતી. અહીં એક 33 વર્ષીય યુવક અચાનક બેભાન થઈ રસ્તા પર પડી ગયો હતો. આ સમયે રીજયન 3 વિસ્તારના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. તરત જ પોલીસ લોકરક્ષક વિપુલભાઈ રરતિલાલ દોડી ગયા હતા. યુવકને રોડની સાઈડ પર ખસેડ્યો હતો અને 108ને ફોન કર્યો હતો. દરમિયાન પોલીસ કર્મચારી જયેશ નાથુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પાર્થ રમેશભાઈ, આકાશ ભરતભાઈએ યુવકને સીપીઆર આપી હતી. દરમિયાન 108 આવતા યુવકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આખરે વાલીને બોલાવી યુવકનો કબ્જો સોંપ્યો હતો.