જેરુસલેમ: જેરુસલેમમાં (Jerusalem) આવેલા યહૂદી મંદિરમાં (Jewish Temple) શુક્રવારે આતંકવાદી હુમલો થયો છે. અહીંના પુજાસ્થળમાં 21 વર્ષનો એક આતંકવાદી બંદૂક લઈને ઘૂસી ગયો હતો. આતંકવાદીએ આડેધડ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં (Firing) 7 લોકો માર્યા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલ પોલીસે ઘટના સ્થળે પહોંચી હુમલાખોર આતંકવાદીને ઠાર માર્યો હતો. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. ઈઝરાયેલે તેને આતંકવાદી હુમલો (Terrorist Attack) ગણાવ્યો છે.
- પૂર્વ જેરુસલેમના યહુદી વિસ્તાર નેવે યાકોવમાં થયો આતંકવાદી હુમલો
- પેલેસ્ટિયન ઇસ્લામિક જેહાદે હુમલાની પ્રશંસા કરી
- ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના લોહિયાળ સંઘર્ષના ભાગરૂપે હુમલો થયાની શક્યતા
ઇઝરાયેલની એમ્બ્યુલન્સ સેવાએ શરૂઆતમાં મૃત્યુઆંક 5 હોવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં આંકડો વધાર્યો હતો. ગોળીબાર બાદ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક 70 વર્ષની મહિલાનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક છે. આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવતા ઈઝરાયેલ પોલીસે કહ્યું કે આ પૂર્વ જેરુસલેમના યહૂદી વિસ્તાર નેવે યાકોવમાં થયું છે. ગાઝામાં હમાસના પ્રવક્તા હાઝેમ કાસિમે જણાવ્યું હતું કે આ ઓપરેશન જેનિનના કબજાનો જવાબ હતો. પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદે હુમલાની પ્રશંસા કરી હતી, પરંતુ હુમલાનો દાવો કર્યો ન હતો. અમેરિકાએ આ હુમલાની નિંદા કરી છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે ઇઝરાયલી સેના અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલી અથડામણમાં નવ પેલેસ્ટાઈનના મોત થયા હતા. આ ઘટના બાદ ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેઓએ કોઈ નિર્દોષને માર્યા નથી પરંતુ તેઓ ઈસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ટુકડીને પકડવા માટે જેનિન ગયા હતા
એક નિવેદનમાં ઈઝરાયેલની સેનાએ કહ્યું કે અમે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પેલેસ્ટાઈનના વડાપ્રધાન મુહમ્મદ શતયેહે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને ઈઝરાયેલ દ્વારા સતત થઈ રહેલા હુમલા પર સુરક્ષા માટે હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે 26 જાન્યુઆરીના રોજ ઈઝરાયેલની સેનાના જવાનો જેનિન શરણાર્થી કેમ્પની અંદર તોફાનીઓને પકડવા પહોંચ્યા હતા. જોકે, ત્યાં હાજર પેલેસ્ટિનિયનોએ હુમલો કર્યો હતો. પેલેસ્ટિનિયનોએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. જે બાદ ઈઝરાયેલી સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી.