SURAT

2 વર્ષનો બાળક સાતમાં માળની ગ્રીલમાંથી નીચે પડ્યો, સુરતના પાલની ઘટનાનો વીડિયો જોઈ કંપારી છૂટી જશે

સુરત: નાના બાળકોને રમતાં મુકી પોતાના કામકાજમાં વ્યસ્ત થઈ જતા માતા પિતા માટે ચેતવણી રૂપ ઘટના સુરતના પાલ વિસ્તારમાં બની છે. અહીં એપાર્ટમેન્ટના સાતમા માળે ગ્રીલમાં રમતો બાળક નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પડવાના લીધે ગંભીર ઈજા થતા બાળકનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે હચમચાવી દેનારા છે.

  • સુરતના પાલ વિસ્તારની હચમચાવી દેનારી ઘટના, માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો
  • પાલના શ્રીપદ સેલિબ્રેશનમાં બન્યો બનાવ, 2 વર્ષનો બાળક સાતમા માળેથી નીચે પટકાયો
  • ગ્રીલમાં રમતા રમતા બાળક નીચે પડયો, ગંભીર ઈજા થતાં બાળકનું મોત નિપજ્યું

માતા-પિતાને સાવધ કરતો કિસ્સો સુરતના પાલ વિસ્તારમાં બન્યો છે. સુરતના પાલ વિસ્તારમાં 2 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. બાળક સાતમાં માળેથી નીચે પટકાયો હતો. જે બાદ બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની નવીતકુમાર કલસરિયા હાલ વરાછા રોડ ખાતે આવેલી વર્ષા સોસાયટી વિભાગ 2માં પત્ની રેશ્માબેન અને 2 વર્ષના દીકરા ભવ્ય સાથે રહે છે. તેઓ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. તેઓની પત્ની રેશમાબેન બાળકને લઈને પાલ સ્થિત પિયરમાં ગયા હતા. ત્યાંથી તેઓ કામ અર્થે પાલ ગૌરવપથ રોડ સ્થિત શ્રીપદ સેલિબ્રેશન ખાતે ગયા હતા. જ્યાં તેઓનો બાળક રમી રહ્યો હતો. ત્યારે દુર્ઘટના બની હતી.

બાળક સાતમાં માળે પેસેજની ગ્રીલમાં રમી રહ્યો હતો ત્યારે તે નીચે પટકાયો હતો. જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

Most Popular

To Top