MUMBAI : બોમ્બે હાઈકોર્ટે ( BOMBAY HIGHCOURT) આંતર ધાર્મિક લગ્ન અંગે મોટો નિર્ણય આપતા કહ્યું છે કે પુખ્ત વયની યુવતીની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ક્યાય જઈ શકે છે. કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે થાણે જિલ્લાના કલ્યાણમાં રહેતા દંપતીને તેમના ઘરે સુરક્ષિત છોડી દે, જ્યારે યુવતીના પિતાએ તેની 19 વર્ષની પુત્રીને પરત લઈ જવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
આ અરજી અંગે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન યુવતીએ જસ્ટિસ એસ.એસ. શિંદે અને જસ્ટિસ મનીષ પિટલીની ડિવિઝન બેંચને કહ્યું કે તે તેના પતિ સાથે રહેવા માગે છે. આ અરજી પર ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે પુખ્ત પુત્રી લગ્ન કરવા સ્વતંત્ર છે અને જ્યાં ઈચ્છે ત્યાં જઇ શકે છે.
આ અરજીની સુનાવણી કરતાં ખંડપીઠે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) કહ્યું છે કે સમાજમાં એકરૂપતા લાવવા આંતર જાતિના લગ્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. જસ્ટિસ શિંદેએ કહ્યું, દેશમાં 3,000 સંપ્રદાયો અને ધર્મો છે. જુદા જુદા ધર્મોના લોકો દર 25 કિલોમીટર દૂર રહે છે. આ દેશમાં 130 કરોડ લોકો એક સાથે રહે છે.
હકીકતમાં 19 વર્ષીય યુવતીના પિતાએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તેની પુત્રીને મૃત અથવા જીવંત તેને સોંપવી જોઈએ. પિતાએ કહ્યું હતું કે કોવિડ -19 લોકડાઉનને કારણે તેમની પુત્રી સામાન્ય રીતે ઘરે જ હતી અને તેની સંમતિથી ગયા વર્ષે 6 ડિસેમ્બરે સગાઈ કરી હતી. પિતાએ કહ્યું કે તેની પુત્રી સગાઈથી ખુશ છે.
આ પછી 30 ડિસેમ્બરે યુવતી સવારે 9.30 વાગ્યે તેની માતાને દરજીની દુકાને જવાનું કહીને ઘરની બહાર નીકળી ગઈ. પરંતુ જ્યારે લાંબા સમય સુધી તે ઘરે પાછી ના આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી, અને ગુમ થયાની જાણ ખડકપાડા પોલીસ મથકે કરી હતી, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુમ થયેલી ફરિયાદ નોંધી ન હતી અને પરિવારને 24 કલાક રાહ જોવા કહ્યું હતું.
તે જ દિવસે સાંજે ખડકપાડા પોલીસ મથકના પોલીસકર્મીઓએ પરિવારને જણાવ્યું હતું કે તેમની પુત્રીએ નજીકમાં જ રહેતા અન્ય ધર્મના છોકરા સાથે લગ્ન કરી લીધા છે અને તે તેના પતિના પરિવાર સાથે રહે છે. આ પછી પિતાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે તેની પુત્રીને પાછી લાવો અને છોકરા સામે કેસ દાખલ કરો. જોકે હાઈકોર્ટે આ કેસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે.